Vapi News : વાપી-સેલવાસ રોડ પરના ભડકમોરા વિસ્તારમાં એક નશામાં ધૂત યુવાને લગભગ એક કલાક સુધી વાહનોને રોકી ભારે હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
શું બન્યું હતું?
વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે આ યુવાન શર્ટ કાઢીને રોડની વચ્ચે ઊભો રહી ગયો હતો અને વાહનોને રોકતો હતો. તે એક કાર પર પણ ચઢી ગયો હતો અને ધમાલ મચાવી હતી. તેના આ વર્તનને કારણે રસ્તા પર ટ્રાફિક જામ થઈ ગયો હતો.આ યુવાને રાહદારીઓ અને વાહનચાલકોને ગાળો પણ આપી હતી. એટલું જ નહીં, તેણે ગેસ સિલિન્ડર ભરીને જઈ રહેલા એક ટેમ્પામાંથી સિલિન્ડર કાઢી લીધા હતા અને તેના પર બેસીને હોબાળો મચાવ્યો હતો. આ ઘટનાને કારણે લોકો પરેશાન થઈ ગયા હતા.
યુવાનની દાદાગીરી
જ્યારે કેટલાક લોકો તેને સમજાવવા ગયા, ત્યારે તેણે તેમની સાથે પણ દાદાગીરી કરી હતી. નાણાં ભરીને જઈ રહેલી એક કેશ વાનને પણ તેણે રોકી દીધી હતી અને તેના પર ચઢી ગયો હતો. આખરે, વાનના ડ્રાઈવર, સિક્યુરિટી ગાર્ડ અને અન્ય લોકોએ તેને માર માર્યો હતો. તેમ છતાં, યુવાને ફરી રસ્તા પર તોફાન ચાલુ રાખ્યું હતું. અંતે, તે એક રિક્ષાને રોકવા જતા તેની અડફેટે આવી ગયો અને રોડ પર ઢળી પડ્યો, જેના પછી તે બેભાન થઈ ગયો હતો. આ ઘટનાને કારણે વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.