Bharuch News : જંબુસર ગામ ખાતે ડાભા ચોકડીથી ગજેરા તરફ જવાના માર્ગ ઉપરના વીજપોલો ઉપરથી હાઈ વોલ્ટેજ લાઈનના રૂ. 1.77 લાખ ઉપરાંતની કિંમતના વાયરો ચોરી અજાણ્યા તસ્કરો ફરાર થઈ જતા ફરિયાદના આધારે જંબુસર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની જંબુસર ટાઉન પેટા વિભાગીય કચેરીમાં જુનિયર ઈજનેર તરીકે ફરજ બજાવતા ધવલકુમાર પટેલે ફરિયાદમાં કહ્યું હતું કે, મને ગઈ તા. 9 સપ્ટેમ્બરના રોજ ડાભા ચોકડીથી ગજેરાગામ તરફ જવાના માર્ગ ઉપર વીજ લાઈનના વાયરો કપાઈ ગયા હોવાની જાણકારી મળી હતી. જેથી સ્થળ પર જઈ તપાસ કરતા થાંભલા ઉપરથી અજાણ્યા તસ્કરો 11 કેવી વાવલી ફીડરની ભારે દબાણની એગ્રીકલ્ચર વીજ લાઈનના રૂ. 1,77, 555ની કિંમતના 4650 મીટરના વાયરો કાપી ચોરી કરી ફરાર થઈ ગયાનું જાણવા મળ્યું હતું. ઉપરોક્ત ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ઇન્ડિયન ઇલેક્ટ્રીક સીટી એક્ટ મુજબ ગુનો નોંધ્યો હતો.