Vaishno Devi Yatra: માં વૈષ્ણોદેવી ભવન અને યાત્રા માર્ગ પર શનિવારે સાંજે ભારે વરસાદના કારણે 18 દિવસ બાદ શરુ થઈ રહેલી યાત્રા નવા આદેશ સુધી રદ કરવામાં આવી છે. તો અહીં માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડે સ્પષ્ટતા કરી કે, હવામાનની સ્થિતિ અને માર્ગની સલામતીનું મૂલ્યાંકન કર્યા પછી જ યાત્રા ફરી શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવશે.
આ પણ વાંચો : નગર પાલિકાએ શબવાહિની ન આપતા કચરાની ગાડીમાં મૃતદેહ લઈ ગયા પરિજનો, યુપીમાં માનવતા શર્મસાર!
ભૂસ્ખલન થતાં 34 શ્રદ્ધાળુઓના મોત થયા હતા
શનિવાર સવારે કટરા પહોંચેલા લગભગ 1000થી વધુ શ્રદ્ધાળુઓ અચાનક બગડેલા હવામાનને કારણે નિરાશ બન્યા હતા. ઉલ્લેખનીય છે કે, 26 ઓગસ્ટે અડકુંવારી માર્ગ એટલે કે, માતા વૈષ્ણો દેવી યાત્રા પર ભૂસ્ખલન થતાં 34 શ્રદ્ધાળુઓના મોત થયા હતા. સુરક્ષા કારણોસર વહીવટીતંત્રએ તરત જ યાત્રાને સ્થગિત કરી દીધી હતી. હવામાન વિભાગના અનુમાન મુજબ રવિવારે પણ હળવાથી ભારે વરસાદ થવાની સંભાવના છે.
શ્રદ્ધાળુઓને ફરી યાત્રા શરૂ થવા માટે રાહ જોવી પડશે
શ્રાઇન બોર્ડે રાત્રે 8 વાગ્યે પોતાના X હેન્ડલ પર યાત્રા સ્થગિત કરવા અંગેની માહિતી શેર કરી હતી. હવે શ્રદ્ધાળુઓને ફરી યાત્રા શરૂ થવા માટે રાહ જોવી પડશે. સાંજથી શરૂ થયેલો વરસાદ મોડી રાત સુધી વચ્ચે વચ્ચે તમામ માર્ગોમાં ચાલુ રહ્યો.
કેટલાક શ્રદ્ધાળુઓ તો દર્શન કર્યા વગર જ પરત ફર્યા
કટરામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. યાત્રા સ્થગિત થવાથી કટરા પહોંચેલા શ્રદ્ધાળુઓ નિરાશ થયા હતા. કેટલાક શ્રદ્ધાળુઓ તો દર્શન કર્યા વગર જ પરત ફર્યા છે. ગોરખપુરથી આવેલા શ્રદ્ધાળુ મક્કનલાલે જણાવ્યું કે, તેઓ સવારે જ રોડ માર્ગે કટરા આવ્યા હતા અને દર્શન માટે ખૂબ ઉત્સાહિત હતા. પરંતુ સાંજે વરસાદ શરૂ થતાં યાત્રા ફરી સ્થગિત થઈ ગઈ.
આ પણ વાંચો : ’15 સીટ નહીં મળે તો 100 સીટ પર લડીશું…’ માંઝીએ બિહાર ચૂંટણી વચ્ચે NDAનું ટેન્શન વધાર્યું
ભૂસ્ખલન થયેલા વિસ્તારોમાં પણ પાણી ભરાયું
અડકુંવારી માર્ગ (Vaishno Devi Yatra Update) પર ભૂસ્ખલન થયેલા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયું છે. શ્રાઇન બોર્ડના જણાવ્યા પ્રમાણે જો સોમવાર સુધી હવામાનમાં સુધારો થશે તો યાત્રા ફરીથી શરૂ કરી શકાશે. બોર્ડ પહેલાથી જ સ્પષ્ટ કરી ચૂક્યું છે કે હવામાનની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જ યાત્રા ચાલુ કરવામાં આવશે.