– સિંધરોટ પાસે પુલ ઉપર આડશોથી સમસ્યા સર્જાઈ
– પિકઅપ વાન નહીં પસાર થઈ શકતા ભાડે કરી જીઆઈડીસીએ જતા યુવકો નોકરી જઈ ન શક્યા
આણંદ : આંકલાવ તાલુકાના ઉમેટા બ્રિજ ઉપર ભારે વાહનોનો પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ત્યારે સિંધરોટ બાજુ લોખંડની આડશો મારી દેતા બોલેરો તથા પિકઅપ વાન ન જઈ શકતા પાદરા બાજુ નોકરી જતા સંખ્યાબંધ યુવકોને નોકરીઓમાં રજાઓ પડી રહી હોવાનું જણાવીને ઉમેટા બ્રિજ પાસે યુવકોએ એકઠા થઈ દેખાવો કર્યા હતા.
આકલાવ અને બોરસદ તાલુકાના કાંઠાગાળાના મોટાભાગના યુવકો પાદરા તરફ આવેલી જીઆઇડીસીમાં રોજ નોકરી કરવા જતા હોય છે. ગંભીરા બ્રિજ તૂટી પડતા તકેદારીના ભાગરૂપે ઉમેટા બ્રિજ પણ ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો હતો. ત્યારે હવે બોરસદ અને આંકલાવ તાલુકામાંથી નોકરી જવા માટે પીકઅપ કે બોલેરો ભાડે કરીને પાદરા જતા યુવકોને હવે નવી તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.
સિંધરોટ પાસે પુલ ઉપર લોખંડની આડશો મારી દેવામાં આવી છે. જેથી વધારે ઊંચાઈના વાહન પસાર થઈ શકે તેમ ન હોવાથી તમામ નોકરિયાતોને નોકરીમાં રજા પાડવી પડતી હોવાનું યુવકોએ જણાવ્યું છે.
આજે ઉમેટા બ્રિજ પાસે ૨૦૦થી વધુ યુવકોએ નોકરીમાં રજા પાડવાની થતા ઉમેટા બ્રિજ પાસે એકત્ર થઈને દેખાવો પણ કર્યા હતા. નોકરી માટે જતા યુવકોના વાહનો જઈ શકે તેવી વ્યવસ્થા ઊભી કરવા પણ પોલીસ તંત્રને વિનંતી કરી હતી.
ગંભીરા પૂલ તૂટી જતાં સૌથી વધુ અસર બોરસદ અને આંકલાવ તાલુકામાં થઈ છે. બંને તાલુકાના કાંઠાગાળા વિસ્તારના હજારો યુવકો ગંભીરા બ્રિજ થઈને પાદરા વિસ્તારની વિવિધ જીઆઇડીસીમાં નોકરી કરવા જતા હતા પરંતુ, ગંભીરા બ્રિજ બંધ થઈ જતા તમામ યુવાનોને હવે બેરોજગારીનો સામનો કરવો પડે તેવી સ્થિતિ સર્જાઇ રહી છે.