Bharuch News : ભરૂચ જિલ્લાના પાલેજ ગામ ખાતે રિક્ષામાં બકરીની ચોરી કરતા શખ્સને ગ્રામજનોએ રંગેહાથ ઝડપી પાડી મેથીપાક ચખાડી પોલીસના હવાલે કર્યો હતો.
પાલેજ ગામની જુમ્મા મસ્જિદ પાસે રહેતા દાઉદ પઠાણ ગઈકાલે સવારે નજીકમાં ખુલ્લી જગ્યામાં બકરા ચરાવવા માટે નીકળ્યા હતા. તે વખતે એક રીક્ષા ચાલકે તેની રીક્ષા બકરા ચરી રહ્યા હતા તેની બાજુમાં ઊભી રાખી હતી. અને એક બકરીને ઉઠાવીને રિક્ષામાં મુકવાનો પ્રયાસ કરતા તેણે શખ્સને ઝડપી પાડ્યો હતો. આ દરમ્યાન આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા. ઝડપાયેલ રીક્ષા ચાલક ઈદ્રીશ કુરેશી (રહે-જંબુસર) હોવાનું બહાર આવ્યું હતું. તેમજ આ વિસ્તારમાં અનેક લોકોના બકરાની ચોરી થઈ હોય તેઓ પણ આવી પહોંચ્યા હતા. બનાવ સંદર્ભે પોલીસે અગાઉ થયેલ બકરા ચોરીના કેસમાં આરોપીની સંડોવણી છે કે? કેમ તે દિશામાં વધુ તપાસ હાથ ધરી હતી.