– ઝવેરીવાડના બેરા જવેલર્સમાં માત્ર 15 દિવસની નોકરીમાં 19 વર્ષનો શાહરુખદીન મીર તિજોરી ખોલી દાગીના ચોરી ગયો હતો
– મુંબઈ જતી વેળા સુરતના કડોદરા ખાતે ઉતરી સાંજની બસમાં મુંબઈ જવા સુરતના કુંભારીયા ખાતે પહોંચતા સારોલી પોલીસે ઝડપી લીધો
સુરત, : અમદાવાદના કાલુપુર ઝવેરીવાડ શોભા ચેમ્બર્સ સ્થિત બેરા જવેલર્સમાંથી શનિવારે મધરાત બાદ ઓફિસની તિજોરી ખોલી રૂ.3.82 કરોડના સોના,ચાંદી અને હીરાજડીત દાગીના ચોરી બસમાં મુંબઈ જવા નીકળેલા અને સુરતના કડોદરા ખાતે ઉતરી સાંજની બસમાં મુંબઈ જવા સુરતના કુંભારીયા ખાતે પહોંચેલા 19 વર્ષના લબરમૂછીયા પટાવાળાને સુરતની સારોલી પોલીસે તમામ મુદ્દામાલ સાથે ઝડપી પાડી બાદમાં તેનો કબજો અમદાવાદ પોલીસને સોંપ્યો હતો.કરોડોના દાગીના ચોરનાર મૂળ પ.બંગાળનો લબરમુછીયો માત્ર 15 દિવસ અગાઉ જ નોકરીએ લાગ્યો હતો.
પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સારોલી પોલીસ મથકના પીઆઈ એસ.આર.વેકરીયા અને સ્ટાફ ગત બપોરે પેટ્રોલીંગમાં હતો ત્યારે હેડ કોન્સ્ટેબલ યશપાલસિંહ મુળુભા અને કોન્સ્ટેબલ પરેશભાઈ નાથાભાઈને મળેલી બાતમીના આધારે કુંભારીયા ગામ સારથી હોટલ પાસેથી શાહરુખદીન કમલુદ્દીન મીર ( ઉ.વ.19, રહે.હરલદાસપુર, જી.હુગલી, પ.બંગાળ ) ને 1417.77 ગ્રામ સોનાના બિસ્કીટ, સોનાના અને હીરાજડીત દાગીના, 697.82 ગ્રામ ચાંદીના દાગીના, અન્ય વસ્તુઓ અને બે મોબાઈલ ફોન સાથે ઝડપી લીધો હતો.કરોડોની મત્તાના દાગીના શાહરુખદીન પાસેથી મળતા પોલીસે તેની પુછપરછ કરતા અમદાવાદના કાલુપુર પોલીસ મથકમાં ગતરોજ નોંધાયેલા રૂ.3,81,59,061 ની મત્તાના દાગીનાની ચોરીનો ભેદ ઉકેલાયો હતો.
સારોલી પોલીસે વધુ પુછપરછ કરતા જાણવા મળ્યું હતું કે શાહરુખદીન ઝવેરીવાડ શોભા ચેમ્બર્સ સ્થિત પવિત્રો નંદોલાલ બેરા ( બંગાળી ) ( ઉ.વ.35, રહે.28, રામેશ્વર સોસાયટી, આવકાર હોલ પાસે, મણિનગર, અમદાવાદ ) ની બેરા જવેલ્સ એલએલપી નામની દુકાનમાં માત્ર 15 દિવસ અગાઉ પટાવાળા તરીકે નોકરીએ જોડાયો હતો.શાહરુખદીન બેરા જવેલ્સ માટે દાગીના બનાવતા અન્ય કારીગરો સાથે ત્યાં ઓફિસની બાજુની રૂમમાં રહેતો હતો.જોકે, શનિવારે મધરાત બાદ 2 થી 3.20 ના સમયગાળામાં તેણે ઓફિસની તિજોરી ખોલી સોનાના બિસ્કીટ, સોનાના અને હીરાજડીત દાગીના, ચાંદીના દાગીના, અન્ય વસ્તુઓની ચોરી કરી હતી અને ફરાર થઇ ગયો હતો.ચોરી કરીને તે બસમાં મુંબઈ જવા નીકળ્યો હતો.પણ સુરત નજીક કડોદરા ખાતે તેણે ઉતરવું પડયું હતું.
ત્યાં તપાસ કરતા મુંબઈ જવા માટે બસ સાંજે સુરતથી મળશે તેવી તેને માહિતી મળી હતી.આથી તે દાગીના લઈ સુરત આવ્યો હતો અને કુંભારીયા વિસ્તારમાં પહોંચ્યો તે સાથે જ સારોલી પોલીસને માહિતી મળતા તેને ઝડપી લીધો હતો.સારોલી પોલીસે તેનો કબજો અમદાવાદ પોલીસને સોંપ્યો છે.
સુઈ જઇશ તો કોઈ દાગીના ચોરી લેશે તેવા ડરથી શાહરુખદીન આખી રાત જાગ્યો, સુરતની હોટલમાં આરામ કરવા આવ્યો ને પકડાયો
શનિવારે મધરાત બાદ કરોડોના દાગીના ચોરી અમદાવાદથી ભાગેલા શાહરુખદીનને આખી રાતનો ઉજાગરો હતો.કડોદરા ઉતરીને મુંબઈ જવાની બસ અંગે તપાસ કરતા તે સુરતથી અને સાંજે મળશે તેવી માહિતી તેને મળી હતી.ઉજાગરાને લીધે તેને ઊંઘ આવતી હતી.પણ પોતે સુઈ જાય તો કોઈ કરોડોના દાગીના ચોરી ભાગી જાય તેવું વિચારી તેણે કડોદરાથી નવી બેગ ખરીદી હતી અને બાદમાં સુરતમાં સાંજ સુધી હોટલમાં આરામ કરવા તે આવ્યો હતો.