Stock Market Today: અમેરિકા દ્વારા ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યા બાદ બંને દેશ આજે 16 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વખત વેપાર મંત્રણા કરવા જઈ રહ્યા છે. આ સકારાત્મક પગલાંના કારણે આજે શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. સેન્સેક્સે સવારે ગ્રીન ઝોનમાં ખૂલ્યા બાદ 82,000નું લેવલ ક્રોસ કર્યું હતું. બપોરના ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સ 460 પોઈન્ટ ઉછળી 82246.35 પર ટ્રેડ થઈ રહ્યો હતો. 1.18 વાગ્યે 394.13 પોઈન્ટના ઉછાળે 82179.87 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 109.70 પોઈન્ટ ઉછળી 25178.90 પર ટ્રેડ થઈ રહ્યો હતો.
અમેરિકાના ટોચના વાર્તાકાર બ્રેન્ડન લિન્ચના નેતૃત્વ હેઠળની ટીમ ગઈકાલે સોમવારે રાત્રે નવી દિલ્હી પહોંચી હતી. આજે નવી દિલ્હી ખાતે બેઠક યોજાવાની છે. જેમાં ટેરિફ, વેપાર મુદ્દે ચર્ચાઓ થવાની શક્યતા છે.
241 શેરમાં અપર સર્કિટ
બીએસઈ ખાતે આજે કુલ ટ્રેડેડ 4225 પૈકી 2443 શેર સુધારો અને 1586 શેર ઘટાડા તરફી કારોબાર થઈ રહ્યા હતાં. 142 શેર વર્ષની નવી ટોચે પહોંચ્યા હતા. જ્યારે 241 શેરમાં અપર સર્કિટ વાગી હતી. ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સ આજે 1 ટકાથી વધુ ઉછાળે ટ્રેડ થઈ રહ્યો હતો. જેમાં તેજસ નેટવર્ક 3.35 ટકા, ટાટા કોમ્યુનિકેશન્સ 3.07 ટકા, ટીટીએમએલ 2.89 ટકા ઉછળ્યો છે.
ભારત-અમેરિકા ટ્રેડ ડીલ પર આજે બેઠક
ટ્રમ્પના ટેરિફ હુમલાને કારણે ભારત-અમેરિકા વચ્ચેની ટ્રેડ ડીલ અટકી પડી હતી. પરંતુ ફરી એકવાર તેના પર વાટાઘાટો આગળ વધી રહી છે. આ માટે મંગળવારે નવી દિલ્હીમાં એક મોટી બેઠક યોજાવાની છે, જેમાં અમેરિકાના મુખ્ય વાર્તાકાર બ્રેન્ડન લિંચ યુએસ ટીમનું નેતૃત્વ કરશે. તમને જણાવી દઈએ કે કૃષિ-ડેરી ઉત્પાદનોને લઈને બંને દેશો વચ્ચેની ડીલમાં અડચણ આવી હતી અને ત્યારબાદ, રશિયન ક્રૂડને મુદ્દો બનાવી અમેરિકાએ ભારત પર વધારાનો 25% ટેરિફ લાદ્યો હતો. અગાઉ, ભારત અને અમેરિકા વચ્ચે પાંચ રાઉન્ડમાં ટ્રેડ ડીલ મીટિંગ યોજાઈ હતી. જો કે, ટ્રમ્પના ટેરિફ હુમલા બાદ છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો રદ કરવામાં આવી હતી. હવે આજની બેઠકમાં વેપાર સોદા અને ટેરિફ પર સકારાત્મક વાટાઘાટો થવાની અપેક્ષા છે.