વડોદરા, તા.13 શહેરના મકરપુરા વિસ્તારમાં સોસાયટીમાં કૂતરા બાબતે બે પરિવાર વચ્ચે ઝઘડા બાદ ઉગ્ર મારામારી થતાં ચાર વ્યક્તિને ઇજા થઇ હતી.
મકરપુરામાં નોવિનો-તરસાલીરોડ પર આવેલ અમૃતનગર સોસાયટીમાં રહેતા પ્રિયાંક નરેન્દ્ર પાટીલે સોસાયટીમાં રહેતા સંજય ચૌધરી, કિંજલ ચૌધરી અને સુનીલ બારિયા સામે મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું ઇન્ટિરિયલનું કામ કરુ છું મારા પિતા પોલીસખાતામાંથી નિવૃત્ત થયા છે. ગઇરાત્રે મારી માતા માયાબેન ઘરના ગેટ પાસે કૂતરાને ખાવાનું નાખતા હતા ત્યારે સંજય અને કિંજલ લાકડીથી કૂતરાને મારવા માટે આવતા મારી માતાએ કૂતરાને નહી મારવા જણાવતા તેઓ ઉશ્કેરાઇ ગયા હતાં અને મારી માતા સાથે ઝપાઝપી કરવા લાગ્યા હતાં. આ વખતે હું તેમજ મારો મોટો ભાઇ ઋષભ ઘરમાંથી બહાર આવતા અમને બંનેને પણ માર માર્યો હતો.
સામા પક્ષે સંજય હેમરાજ ચૌધરીએ પ્રિયાંક પાટીલ, રુષભ પાટીલ, માયાબેન પાટીલ અને વર્ષા પાટીલ સામે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે હું નર્મદા ભવનમાં જિલ્લા રજિસ્ટ્રાર કચેરી, સહકારી મંડળીમાં મદદનીશ સહકારી અધિકારી તરીકે ફરજ બજાવું છું. ગઇ રાત્રે ભોજન કર્યા બાદ સોસાયટીમાં ચાલવા માટે નીકળ્યો હતો ત્યારે માયાબેનના ઘર પાસે ઊભેલા કૂતરાઓ મને જોઇને ભસવા લાગ્યા હતા અને મને કરડવા મારી તરફ આવતા મેં કૂતરાને મારવા માટે લાકડું હાથમાં લીધુ હતું જેથી માયાબેને મારવાની ના પાડી મનફાવે તેમ મને બોલવા લાગ્યા હતાં આ વખતે તેમના પુત્રો સહિત અન્ય મારી પાસે આવીને લાફા મારી લાકડાના ફટકા માર્યા હતાં.