Tesla Model Y Door Handle Failures: ઈલોન મસ્કની ટેસ્લા કંપની ફરી એકવાર મુશ્કેલીમાં મુકાઈ છે. તાજેતરમાં, લાખોની કિંમતવાળી ટેસ્લા Model Y કારના ડોર હેન્ડલ અચાનક કામ કરવાનું બંધ કરી દેવાની ફરિયાદો સામે આવી છે. આ કારણે ઘણા કિસ્સાઓમાં માતા-પિતાએ બાળકોને બહાર કાઢવા માટે કારનો કાચ તોડવો પડ્યો હતો.
આ મામલો હવે અમેરિકન ટ્રાફિક સેફ્ટી એજન્સી NHTSA સુધી પહોંચ્યો છે, જેણે આશરે 1.74 લાખ Model Y કારની તપાસ શરૂ કરી છે. આ ઘટના ટેસ્લાની હાઈ-ટેક કારની સલામતી પર ગંભીર સવાલો ઊભા કરે છે.
ટેસ્લા કારના ડોર હેન્ડલની ખામી અંગે તપાસ શરૂ
રોઇટર્સના અહેવાલ મુજબ, અમેરિકન ટ્રાન્સપોર્ટ સેફ્ટી એજન્સી NHTSA એ 2021માં બનેલી લગભગ 1.74 લાખ ટેસ્લા Model Y કારની તપાસ શરૂ કરી છે. આ તપાસ ઇલેક્ટ્રોનિક ડોર હેન્ડલ અચાનક કામ કરવાનું બંધ કરી દેવાની ફરિયાદોના આધારે શરૂ કરવામાં આવી છે.
બાળકોની સુરક્ષા પર ગંભીર સવાલ
એજન્સીને મળેલી ફરિયાદો મુજબ, માતા-પિતાએ દાવો કર્યો છે કે બાળકોને બહાર કાઢવા અથવા બેસાડવા જતા ટેસ્લા કારના ડોર હેન્ડલે કામ કરવાનું બંધ કરી દીધું હતું. NHTSA પાસે આવા 9 કેસ નોંધાયા છે, જેમાં ચાર કિસ્સાઓમાં તો માતા-પિતાએ કારનો કાચ તોડીને બાળક સુધી પહોંચવું પડ્યું હતું. આ ઘટનાઓ બાળકોની સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી કરે છે.
ટેક્નિકલ ખામીની આશંકા
પ્રારંભિક તપાસ દર્શાવે છે કે આ સમસ્યા ઇલેક્ટ્રોનિક ડોર લોકને પૂરતો વોલ્ટેજ ન મળવાથી થાય છે, જેના કારણે ઘણીવાર લો-વોલ્ટેજ બેટરી બદલવાની જરૂર પડે છે. જોકે, કાર માલિકોને આ અંગે અગાઉથી કોઈ ચેતવણી મળતી નથી.
શા માટે ચિંતા વધી રહી છે?
જોકે ટેસ્લાના વાહનોમાં મેન્યુઅલ ડોર રિલીઝનો વિકલ્પ પણ આપવામાં આવ્યો છે, પરંતુ નાના બાળકો તેનો ઉપયોગ કરી શકતા નથી. આ જ કારણ છે કે આ ખામી મુસાફરો, ખાસ કરીને બાળકોની સુરક્ષાને લઈને ગંભીર સવાલો ઊભા કરે છે.
આ પણ વાંચો: ટ્રમ્પ ટેરિફથી રત્નો અને ઝવેરાતના વેપારમાં મિશ્ર વલણ સાથે અનિશ્ચિતા
આગળ શું થશે?
નેશનલ હાઈવે ટ્રાફિક સેફ્ટી એડમિનિસ્ટ્રેશનનું આ પ્રારંભિક મૂલ્યાંકન પહેલું પગલું છે. જો એજન્સીને લાગે કે આ ખામી મુસાફરોની સુરક્ષા માટે ગંભીર છે, તો તે રિકોલ પ્રક્રિયા શરૂ કરવાની ભલામણ કરી શકે છે. આ મામલો માત્ર ટેસ્લા માટે જ નહીં, પરંતુ સમગ્ર ઇલેક્ટ્રિક કાર ઉદ્યોગ માટે એક ચેતવણી છે કે હાઈ-ટેક ફીચર્સની વચ્ચે મૂળભૂત સુરક્ષા સાથે કોઈ સમજૂતી ન થવી જોઈએ.