Jamnagar Vyajkhor : જામનગર જિલ્લાના જામજોધપુરમાં રહેતા કાપડના એક વેપારી આઠ જેટલા વ્યાજખોરોની ચુગાલમાં ફસાયા છે. બીમાર પુત્ર, માતા અને પત્નીની સારવાર માટે પૈસાની જરૂરિયાત પડતા 5 ટકાથી 20 ટકા લેખે રકમ વ્યાજે લીધા બાદ તમામ રકમ ચૂકવી દેવા છતાં વ્યાજખોરો પરેશાન કરતા હોવાથી તેમજ દુકાનમાંથી કપડા અને કાર ઉઠાવી ગયા હોવાથી ઘેનની ગોળીઓ ખાઈ લઇ આત્મહત્યાનો પ્રયાસ કર્યાનું સામે આવ્યું છે. પોલીસે વેપારીની પત્નીની ફરિયાદના આધારે 8 વ્યાજખોરો સામે ગુનો નોંધ્યો છે.
આ બનાવની વિગત એવી છે કે જામજોધપુરમાં સુભાષ રોડ પર રહેતા અને શિવ શક્તિ ડ્રેસીસ નામની તૈયાર કપડાની દુકાન ચલાવતા વેપારી કાંતિલાલ પરસોત્તમભાઈ બાથાણી કે જેમણે ગત બીજી તારીખે ભાણવડ નજીક ત્રણ પાટિયા પાસે પહોંચી જઈ વધુ પડતી ઘેનની ગોળીઓ ખાઈ લેતાં તેને વિપરીત અસર થવાથી સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં પોલીસે તેનું નિવેદન નોંધતા પોતે વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયા હોવાનું ધ્યાનમાં આવ્યું હતું.
તેથી સમગ્ર મામલો જામજોધપુર પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને વેપારી કાંતિભાઈના પત્ની દિવ્યાબેન બાથાણીએ જામજોધપુર પોલીસ સમક્ષ જણાવ્યા અનુસાર પોતાના પતિને ઊંચા વ્યાજે નાણાં ધીરધાર કર્યા પછી મૂળ રકમ અને વ્યાજ સહિતની અનેક ગણી રકમ ચૂકવી દીધા છતાં ધાક ધમકી આપી આત્મહત્યાનો પ્રયાસ કરવા માટે મજબૂર કરવા અંગેની ફરિયાદ નોંધાવી છે.
જે ફરિયાદમાં જામજોધપુરના રહેવાસી ચીમનભાઈ ખાંટ, હિતેશભાઈ ભગવાનજીભાઈ ખાંટ, ભાવેશભાઈ કથીરિયા, ભાવેશ મગનભાઈ ચનીયારા, આવડદાન ગઢવી, પાર્થરાજસિંહ તેમજ પ્રતિપાલસિંહ હોથીજી ખડબાવાળા અને રામદેવભાઈ આહીર હોથીજી ખડબા વાળા સામે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા અનુસાર વેપારી યુવાન કે જેના પુત્રની બીમારી હોવાથી અલગ અલગ પાંચ જેટલા ઓપરેશન કરવા પડ્યા હતા, જેમાં દવાનો મોટો ખર્ચ થયો હતો. ઉપરાંત પત્ની દિવ્યાબેન અને માતા કે જેઓ પણ બીમાર રહેતા હોવાથી તેની સારવાર માટે આર્થિક સંકટ આવી જતાં એક પછી એક તમામ વ્યાજખોરો પાસે અલગ અલગ સમયે પાંચ ટકાથી લઈને 20 ટકા સુધીની રકમ મેળવી હતી.
જેમાં મોટાભાગના વ્યાજખોરોએ મૂળ રકમ અને વ્યાજની રકમ છેલ્લા ચાર વર્ષના સમયગાળા દરમિયાન અને ઘણી વસુલી લીધી છે, ઉપરાંત કોરા ચેકમાં શી કરાવી લીધી છે. મોટી રકમ ચૂકવી દીધા છતાં હજુ વધુ રકમની માંગણી કરતા હોવાથી આ પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે. જે ફરિયાદ દરમિયાન ભાવેશ કથિરીયા નામનો શખ્સ વેપારીની મોટરકાર લઇ ગયો હોવાનું, અ 40,000 રૂપિયા આપ્યા પછી કાર પાછી મળશે તેવી ધમકી આપી હતી. આ ઉપરાંત અન્ય એક વ્યાજખોર દ્વારા દુકાનમાંથી કપડા પણ ઉઠાવી ગયાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.