Election Commission New Guidelines : બિહારમાં આગામી થોડા અઠવાડિયામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. ચૂંટણી પંચે હજુ તારીખોની જાહેરાત કરી નથી, પરંતુ મતદાનની તારીખોની જાહેરાત પહેલાં જ એક નવી ગાઈડલાઈન જાહેર કરી છે. ચૂંટણી પંચે બિહારથી એક નવા પ્રયોગની શરૂઆત કરી છે, જેના હેઠળ EVMના બેલેટ પેપરમાં હવે ઉમેદવારોના રંગીન ફોટા હશે. આ પહેલા ફોટા માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ હતા.
મતદારો માટે ઉમેદવારને ઓળખવાનું સરળ બનશે
ચૂંટણી પંચના આ નિર્ણયથી મતદારો માટે ઉમેદવારને ઓળખવાનું સરળ બનશે. ચૂંટણી પંચ છેલ્લા છ મહિનાથી ચૂંટણી પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે કામગીરી કરી રહી છેચ આ માટે 28 પહેલ કરવામાં આવી છે, તેમાંથી આ એક પહેલ છે.
હવે ઉમેદવારોનો ફોયો વધુ સ્પષ્ટ દેખાશે
નવા નિયમ હેઠળ, ઉમેદવારનો ફોટો રંગીન છાપવામાં આવશે અને તે ફોટા માટે નિર્ધારિત જગ્યાના ત્રણ-ચતુર્થાંશ ભાગમાં લગાવેલો હશે. આનાથી ફોટો વધુ સ્પષ્ટ દેખાશે અને ઓળખી પણ શકાશે. આ ઉપરાંત ઉમેદવારો અને નોટા માટેના ક્રમ નંબરો ખાસ રીતે દેખાય તે રીતે દેખાડાશે.
આ પણ વાંચો : ઉત્તરાખંડમાં ભારે વરસાદથી તબાહી, 17 લોકોના મોત, 16 ગુમ, ઘણા વિસ્તારોમાં ભારે નુકસાન
EVM પરના ફોન્ટ પર પણ વિશેષ ધ્યાન
ઈવીએમ પર લખેલા નામો સહિતની બાબતો સ્પષ્ટ રીતે વંચાય તે માટે એક જ પ્રકારના અને 30ની સાઈઝના બોલ્ડ ફોન્ટનો ઉપયોગ કરાશે. ઈવીએમ બેલેટ પેપર માટે 70 જીએસએમ કાગળનો ઉપયોગ કરાશે અને વિધાનસભાની ચૂંટણીઓ માટે ખાસ નિર્ધારિત ગુલાબી રંગના કાગળનો ઉપયોગ થશે.
બિહારમાં પ્રયોગ સફળ થયા બાદ દેશભરમાં લાગુ કરાશે
આ સુધારાઓની શરૂઆત બિહારની ચૂંટણી (Bihar Assembly Elections-2025)થી થશે. ચૂંટણી પંચની યોજના છે કે બિહારમાં આ પ્રયોગ સફળ થયા બાદ તેને દેશભરના અન્ય રાજ્યોમાં પણ લાગુ કરવામાં આવશે. આનાથી દેશભરમાં ચૂંટણીની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં સુધારો થશે.
આ પણ વાંચો : કર્ણાટકમાં SBIમાં હથિયારધારી લૂંટારાઓ ત્રાટક્યા, 58 કિલો સોનું અને 8 કરોડ રોકડની લૂંટ