મુંબઈ : વિશ્વ જાણે ફરી ઈન્ડિયા ગ્રોથ સ્ટોરી અને રોકાણ પર ઉચ્ચતમ વળતર આપવા માટે ભારતીય શેર બજારો, મૂડી બજાર શ્રેષ્ઠ હોવાનો અને વિતેલા પાંચ મહિનામાં મોટા કરેકશન-ઓવર વેલ્યુએશનની તેજીના અતિરેકનો અંત આવ્યા બાદ હવે વેલ્યુએશન ઘણા શેરોમાં આકર્ષક બન્યું હોઈ વિદેશી રોકાણકારો-ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોએ વેચવાલી અટકાવીને સારા શેરોમાં ખરીદી કરવા માંડી છે. નાણા વર્ષ ૨૦૨૪-૨૫ પૂર્ણ થવા આવ્યું હોઈ અને વર્ષ ૨૦૨૫-૨૬માં ભારતીય શેર બજારોમાં મોટી તેજી સંભવિત હોવાના હવે વિદેશી નામી બ્રોકિંગ હાઉસો અંદાજો મૂકીને શેરોમાં ફરી નેટ ખરીદદાર બન્યા છે. વિતેલા સપ્તાહમાં એફપીઆઈઝ-એફઆઈઆઈઝ દ્વારા શેરોમાં છેલ્લા દિવસોમાં થયેલી મોટી ખરીદીએ બજારની રૂખ બદલી મૂકી છે. ભારતીય શેર બજારોમાં ચાર વર્ષનો સૌથી મોટો સાપ્તાહિક ૪.૬ ટકાનો ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ ૩૦૦૦થી વધુ પોઈન્ટ વધી આવ્યો છે. સારા ફંડામેન્ટલ ધરાવતી કંપનીઓના શેરોમાં વર્ષાંતે છેલ્લા દિવસોમાં ફંડો વેલ્યુબાઈંગની તક ઝડપી રહ્યા છે.
નફા પર ટેક્ષની જવાબદારી ઘટાડવા માર્ચ એન્ડિંગ પૂર્વે એક્ઝિટ લેવા-શેરો વેચવા અંતિમ સપ્તાહ મોકો આપશે
માર્ચ એન્ડિંગ પૂર્વે હવે વર્ષ ૨૦૨૪-૨૫માં જે શેરોમાં નફો થયો હોય એના પર કેપિટલ ગેઈન ટેક્ષની જવાબદારી ઓછી કરવા માટે સામે આ વર્ષમાં જે અન્ડરપર્ફોર્મ શેરોમાં એક્ઝિટ લેવી હોય એ શેરો વેચવા માટે ફોરેન ફંડોના રોકાણ પ્રવાહ પ્રેરિત સંભવિત તેજીનું આગામી સપ્તાહ અંતિમ મોકો આપશે અને એ પણ ગુરૂવાર સુધીમાં આ સોદા કરી લઈ નિશ્ચિંત બની શકાય.વૈશ્વિક મોરચે ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વને ટેરિફ યુદ્વમાં ધકેલવા જતાં અને વિશ્વના આ જમાદાર અમેરિકાની રશીયાને યુક્રેન મામલે મનાવવાના પ્રયાસમાં હજુ પૂરી સફળતા મળી નહીં હોવાથી અને ઈઝરાયેલ-હમાસ યુદ્વ ફરી વકરતાં જીઓપોલિટીકલ ટેન્શનને લઈ યુરોપ, એશીયાના અન્ય દેશોના બજારોમાં સપ્તાહના અંતિમ દિવસોમાં નરમાઈ જોવાઈ છે. આ અનિશ્ચિતતા હજુ કાયમ રહેવાની અને ૨, એપ્રિલના ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફ પર વિશ્વની સાથે ભારત પર અસર શું થશે એના પર નજર હોઈ આગામી સપ્તાહમાં પણ વૈશ્વિક બજારોમાં હજુ ઉથલપાથલ જોવાઈ શકે છે. જ્યારે ભારતીય શેર બજારોમાં એફપીઆઈઝની ખરીદી જોર પકડશે અને ફંડો નીચા ભાવે રોકાણકારોના શેરોની આક્રમક ખરીદી કરવા આગળ આવશે તો તેજીના ફૂંફાળા જોવાશે. અલબત શકય છે કે, રોકાણકારોના શેરો ગભરાટમાં નીચા ભાવે પડાવવા આંચકા આપીને છેતરામણો ખેલ ખેલાઈ શકે છે. સારા વેચવાથી દૂર રહી ઘટાડે ખરીદીની તક ઝડપી શકાય. વૈશ્વિક પરિબળો વચ્ચે આગામી સપ્તાહમાં નિફટી સ્પોટ ૨૩૧૧૧ના સપોર્ટે ૨૩૭૧૧ ઉપર બંધ થવાના સંજોગોમાં ૨૪૦૬૬ અને સેન્સેક્સ ૭૬૧૩૩ની ટેકાની સપાટીએ ૭૮૫૫૫ ઉપર બંધ થવાના સંજોગોમાં ૭૯૨૩૩ જોવાઈ શકે છે.
અર્જુનની આંખે : BIMETAL BEARINGS LTD.
માત્ર બીએસઈ(૫૦૫૬૮૧) લિસ્ટેડ, રૂ.૧૦ પેઈડ-અપ, ૭૫ ટકા પ્રમોટર્સ હોલ્ડિંગની, સંપૂર્ણ ડેટ-ઋણ મુક્ત, ISO/TS 16949 CERTIFIED, ISO 14001 હોસુર પ્લાન્ટ, ISO 14001 અને OHSAS 18001 CERTIFIED કોઈમ્બતુર પ્લાન્ટ ધરાવતી, બાયમેટલ બેરિંગ્સ લિમિટેડ(BIMETAL BEARINGS LTD.) કંપની વર્ષ ૧૯૬૧માં ક્લેવિટ ઈન્ક. યુ.એસ.એ. અને રેપકો લિમિટેડ, ઓસ્ટ્રેલિયા સાથે કોલોબ્રેશનમાં સ્થપાયેલી અને વિસ્તૃત રેન્જના એન્જિન બેરિંગ્સ, બુશિંગ્સ, થ્રસ્ટ વોશર્સ, એલોય પાવર અને બાયમેટાલિક સ્ટ્રીપ્સની અગ્રણી મેન્યુફેકચરર્સ પૈકી એક છે. કંપની કાચામાલથી લઈને સંપૂર્ણ વેલ્યુ એડેડ ફિનિશ્ડ પ્રોડક્ટસના મેન્યુફેકચરીંગ માટેની સંપૂર્ણ ઈન્ટીગ્રેટેડ સવલતો ધરાવે છે. મજબૂત ઓરિજનલ ઈક્વિપમેન્ટ મેન્યુફેકચરર્સ (ઓઈએમ)નો બેઝ ધરાવતી કંપની ઓટોમોટીવમાં પેસેન્જર્સ કાર્સ, મીડિયમ યુટીલિટી વ્હીકલ્સ-એમયુવીઝ, લાઈટ કમર્શિયલ વ્હીકલ્સ-એલસીવીઝ, મીડિયમ અને હાઈ કમર્શિયલ વ્હીકલ્સ, ટ્રેકટર્સ, ઈન્ડસ્ટ્રીયલ એન્જિન્સ અને ટુ-વ્હીલર્સને આવરી લઈ ડિફેન્સ અને રેલવેની જરૂરીયાતો પણ પૂર્ણ કરી રહી છે.
ઉત્પાદનો : કંપનીના ઉત્પાદનોમાં એન્જિન બેરિંગ્સ, બુશિંગ્સ, થ્રસ્ટ વોશર્સ, એલોય પાવડર અને બાયમેટાલિક સ્ટ્રીપ્સનો સમાવેશ છે.
સવલતો : કંપની મલ્ટિ પ્લાન્ટ, મલ્ટિ લોકેશન ઓપરેશન સવલત ચેન્નઈ, કોઈમ્બતુર અને હોશુર ખાતે ધરાવે છે. જેમાં ચેન્નઈ ખાતે એલોય પાવડર પ્લાન્ટ-કોપર અને કોપર એલોય પાવડર માટે સવલત, સ્ટ્રીપમિલ પ્લાન્ટ, કોઈમ્બતુર ખાતે બેરિંગ પ્લાન્ટ-૧ અને હોસુર ખાતે બેરિંગ પ્લાન્ટ-ટુ ધરાવે છે. જ્યારે ચેન્નઈ ખાતે બુશિંગ અને થ્રસ્ટ વોશર પ્લાન્ટ, કોઈમ્બતુર ખાતે આર એન્ડ ડી સેન્ટર, હોસુર ખાતે એન્જિનિયરીંગ અને પ્રોજેક્ટસ ધરાવે છે.
પ્રમુખ ગ્રાહકો : કંપનીના પ્રમુખ ગ્રાહકોની યાદીમાં ટાટા મોટર્સ, અશોક લેલેન્ડ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, કમિન્સ, મારૂતી, હ્યુન્ડાઈ, એવટેક, ટેફે, એસ્કોર્ટસ, ન્યુ હોલેન્ડ, સ્વરાજ મઝદા, બીઈએમએલ, ઈન્ડિયન રેલવેઝ, સુઝુકી, યામાહા સહિતનો સમાવેશ છે.
બુક વેલ્યુ : માર્ચ ૨૦૨૨ના રૂ.૫૦૫, માર્ચ ૨૦૨૩ના રૂ.૫૨૬, માર્ચ ૨૦૨૪ના રૂ.૫૫૦, અપેક્ષિત માર્ચ ૨૦૨૫ના રૂ.૫૭૯, અપેક્ષિત માર્ચ ૨૦૨૬ના રૂ.૬૧૧
બોનસ ઈતિહાસ : વર્ષ ૧૯૮૨માં ૧:૨ શેર, વર્ષ ૧૯૮૯માં ૧:૧ શેર બોનસ. આમ બે બોનસ ઈસ્યુ થકી કુલ ઈક્વિટીમાં ૭૬ ટકા બોનસ ઈક્વિટી ધરાવે છે.
ડિવિડન્ડ : વર્ષ ૨૦૨૦માં ૭૦ ટકા, વર્ષ ૨૦૨૧માં ૮૦ ટકા, વર્ષ ૨૦૨૩માં ૧૨૫ ટકા, વર્ષ ૨૦૨૪માં ૧૨૫ ટકા. કંપની ચોખ્ખા નફાના સરેરાશ ૬૦ ટકા ડિવિડન્ડ પે-આઉટ રેશીયો જાળવે છે.
શેર હોલ્ડિંગ પેટર્ન : પ્રમોટર્સ પાસે ૭૫ ટકા અને એચએનઆઈ, બેંકો અને અન્યો પાસે ૫.૫૪ ટકા, જ્યારે રિટેલ રોકાણકારો પાસે ૧૯.૪૬ ટકા શેરો છે.
નાણાકીય પરિણામો :
(૧) પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૩ થી માર્ચ ૨૦૨૪ :
કોન્સોલિડેટેડ ધોરણે ચોખ્ખી આવક રૂ.૨૩૯ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૨૬ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૦.૧૮ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૨૬.૬૨ હાંસલ કરી છે.
(૨) નવ માસિક એપ્રિલ ૨૦૨૪ થી ડિસેમ્બર ૨૦૨૪ :
નવમાસિક ચોખ્ખી આવક રૂ.૧૭૮ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૮૩ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૮.૬૧ કરોડ નોંધાવી શેર દીઠ નવ માસિક આવક-ઈપીએસ રૂ.૨૨.૫૩ હાંસલ કરી છે.
(૩) અપેક્ષિત ચોથા ત્રિમાસિક જાન્યુઆરી ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૫ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૬૩ કરોડ મેળવીને નેટ પ્રોફિટ માર્જિન ૩.૯૮ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૨.૫૦ કરોડ મેળવી શેર દીઠ ત્રિમાસિક આવક રૂ.૬.૫૪ અપેક્ષિત છે.
(૪) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૪ થી માર્ચ ૨૦૨૫ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૪૧ કરોડ મેળવી એનપીએમ ૪.૬૧ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૧.૧૧ કરોડ નોંધાવી શેર દીઠ આવક રૂ.૨૯.૦૭ અપેક્ષિત છે.
(૫) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬ :
અપેક્ષિત ચોખ્ખી આવક રૂ.૨૭૦ કરોડ મેળવી અપેક્ષિત નેટ પ્રોફિટ માર્જિન-એનપીએમ ૪.૫૪ ટકા થકી ચોખ્ખો નફો રૂ.૧૨.૨૫ કરોડ નોંધાવી શેર દીઠ આવક-ઈપીએસ રૂ.૩૨ અપેક્ષિત છે.
આમ(૧) લેખક ઉપરોકત કંપનીના શેરમાં કોઈ રોકાણ ધરાવતા નથી. લેખકના રીસર્ચ માટેના સ્ત્રોતોનું અંગત પ્રત્યક્ષ કે પરોક્ષ હિત-રોકાણ હોઈ શકે છે. કોઈપણ રોકાણ નિર્ણય લેતાં પહેલા ક્વોલિફાઈડ ફાઈનાન્શિયલ એડવાઈઝરની સલાહ લેવી. રોકાણ પર સંભવિત કોઈ નુકશાની માટે લેખક, ગુજરાત સમાચાર કે અન્ય કોઈપણ વ્યક્તિ જવાબદાર રહેશે નહીં. (૨) અપેક્ષિત પૂર્ણ વર્ષ એપ્રિલ ૨૦૨૫ થી માર્ચ ૨૦૨૬માં અપેક્ષિત શેર દીઠ આવક રૂ.૩૨ અને અપેક્ષિત બુક વેલ્યુ રૂ.૬૧૧ સામે બાયમેટલ બેરિંગ્સ લિમિટેડનો રૂ.૧૦ પેઈડ-અપ શેર એનએસઈ, બીએસઈ પર રૂ.૫૦૭ ભાવે બેરિંગ ઉદ્યોગના સરેરાશ ૬૦ના પી/ઇ સામે ૧૬ના પી/ઈએ , અપેક્ષિત બુક વેલ્યુના ૮૦ ટકા કિંમતે ટ્રેડ થઈ રહ્યો છે.