– કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત
– વડાપ્રધાનના જન્મ દિવસે સમાન કામ સમાન વેતનના નારા સાથે આશા વર્કરોની પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવા માંગણી
આણંદ : વડાપ્રધાનના જન્મ દિવસે સમાન કામ સમાન વેતનના નારા સાથે આશાવર્કર બહેનોએ આણંદ કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરી હતી. ટેકો ઓનલાઈન કામગીરી ત્વરિત સ્થગિત કરી પડતર પ્રશ્નોના નિરાકરણની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં આક્ષેપ સાથે જણાવ્યું છે કે, એએનસીથી લઈને તમામ કામગીરી સાથે ઓનલાઈન કામગીરી આશા વર્કરો કરીએ છીએ. ગુજરાત રાજ્યના તમામ અર્બન હેલ્થ સેન્ટર અને તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આશાવર્કર બહેનો તેમજ આશા ફેસીલીટેર બહેનોને ઓનલાઈન કામગીરી કરવા માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પરથી આદેશ આપાયો છે.
ઉલ્લેખનીય છે કે ટેકોની ઓનલાઈન કામગીરી કરવા માટે સારી ક્વોલીટીનો મોબાઈલ ફોન જરૂરી છે ત્યારે રૂા.૨ હજારના ઈન્સેન્ટીવ લેવાવાળી આશાવર્કર બહેનો પાસે આવો મોબાઈલ ફોન ન હોવાથી આ કામગીરી તાત્કાલિક ધોરણે શક્ય નથી.
કેટલાક અધિકારીઓ ગરીબ બહેનોને વ્યાજે નાણાં લઈ મોંઘો મોબાઈલ ફોન લાવી ટેકોની ઓનલાઈન કામગીરી ફરજીયાત કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ પણ કરાયો છે.
ટેકો ઓનલાઈનની કામગીરીમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થવા સાથે સૌથી વિકટ પ્રશ્ન મોબાઈન ફોનનો છે ત્યારે આ યોગ્ય કહેવાય તેવા પ્રશ્ન સાથે વડાપ્રધાનના જન્મદિવસે આણંદની કલેક્ટર કચેરી ખાતે સમાન કામ સમાન વેતનના નારા સાથે આશા વર્કર બહેનો તથા આશા ફેસીલીટેટર બહેનોને સોંપવામાં આવેલ ટેકો ઓનલાઈન કામગીરી તાત્કાલિક સ્થગિત કરી ગામના વગર નાણાંએ કરવામાં આવતા કામનું નિરાકરણ લાવી ફિક્સ પગાર આપી કાયમી કરવા માંગણી સાથે જિલ્લા કલેક્ટર તેમજ ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરાઈ છે.