Gandhinagar Accident: ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં ચોંકાવનારો વધારો થઈ રહ્યો છે. ગુરૂવારે (17 એપ્રિલ) ગાંધીનગરમાં તપોવન સર્કલ પાસે અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં કારે ટક્કર મારતા ચાંદખેડાની એક યુવતીનું મોત નિપજ્યું છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, ગાંધીનગરના તપોવન સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવતી કારે એક યુવતીને ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો પણ વાઈરલ થઈ રહ્યો છે. સીસીટીવીમાં જોવા મળી રહ્યું છે કે, પૂરપાટ ઝડપે કાર આવી રહી છે. કારચાલક ગાડી પરથી પોતાનો કાબૂ ગુમાવતો કાર ડિવાઇડર કૂદીને સર્વિસ રોડ પર આવે છે અને એક યુવતીને અડફેટે લઈ લે છે. જેમાં યુવતીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું છે.
આ પણ વાંચોઃ હિંમતનગર-શામળાજી હાઈવે પર પીક-અપ વાને બાઈક પર જતા દંપતીને ફંગોળ્યું, પત્નીનું મોત
બે દિવસમાં એક જ જગ્યાએ બે અકસ્માત
મળતી માહિતી મુજબ, મૃતક યુવતી અમદાવાદના ચાંદખેડા વિસ્તારની રહેવાસી છે. જોકે, આ મામલે કાર ચાલક સામે ગુનો દાખલ થયો છે કે કેમ તે વિશે કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. નોંધનીય છે કે, 15 એપ્રિલના રોજ સાંજે 6 વાગ્યાના સુમારે તપોવન સર્કલથી ઝુંડાલ તરફ જતા રસ્તા પર (GJ-01-WF-6436) નંબરની હોન્ડા અમેઝ કારે ચાંદખેડાની જ એક 25 વર્ષીય યુવતીને અડફેટે લીધી હતી. આ ગંભીર અકસ્માતમાં તેનું પણ મોત નિપજ્યું હતું.
આ પણ વાંચોઃ મોરબીના અણિયાળી ટોલનાકા નજીક બોલેરો પીક-અપ વાન પલટી, 2 મોત,12થી વધુને ઈજા
ગુજરાતનો ગોઝારો ગુરૂવાર
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં એક દિવસમાં આ ચોથો અકસ્માત છે. વહેલી સવારે હિંમતનગરથી માતાના મઢે દર્શન કરવા રીક્ષામાં જઇ રહેલા શ્રદ્ધાળુને સમી-રાધનપુર હાઇવે પર અકસ્માત નડ્યો હતો. સમી નજીક આવેલી હોટલ પાસે બસે રીક્ષાને અડફેટે લેતાં રીક્ષાનો કચ્ચરણખાણ વળી ગયો હતો અને રીક્ષામાં સવાર તમામ 5થી વધુ શ્રદ્ધાળુઓના મોત નીપજયા હતા. આ સિવાય મોરબીના માળિયામાં બોલેરો પીકઅપ પલટી જતાં તેમા સવાર 12થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે અને 2 લોકોના નિપજ્યા હતાં. તેમજ વહેલી સવારે હિંમત-નગર નેશનલ હાઇવે પર પણ એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. જેમાં પીકઅપ વાહને બાઇકને અડફેટે લેતાં બાઇકમાં સવાર પતિ-પત્ની ભોગ બન્યા હતાં. અકસ્માતમાં પત્નીનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.