Ahmedabad Road Accident: અમદાવાદના વિશાલા સર્કલ પાસે બુધવારે મોડી રાત્રે એક પોલીસ કર્મચારીએ નશાની હાલતમાં બેફામપણે કાર ચલાવી એક રિક્ષાને જોરદાર ટક્કર મારતા ચકચાર મચી ગઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રિક્ષા પલટી ખાઈ ગઈ હતી અને તેના ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા બેભાન અવસ્થામાં તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ ઘટનાને પગલે એકઠા થયેલા રોષે ભરાયેલા લોકોએ કારચાલક પોલીસકર્મીને પકડીને પોલીસને હવાલે કર્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, અકસ્માત સર્જનારા પોલીસ કર્મચારીની ઓળખ પ્રકાશ વેરશીભાઇ રબારી (બ.નં-12414) તરીકે થઈ છે, જે વટવા પોલીસ સ્ટેશનમાં નોકરી કરે છે. તે પોતાની કારને વિશાલા સર્કલ પાસેથી પૂરઝડપે અને બેફામ રીતે હંકારી રહ્યો હતો. આ દરમિયાન તેણે કાબૂ ગુમાવતા આગળ જઈ રહેલી એક રિક્ષાને પાછળથી ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે રિક્ષા હવામાં ફંગોળાઈને પલટી મારી ગઈ હતી, જેના કારણે રિક્ષાચાલકને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજા પહોંચી હતી.
ઘટનાસ્થળે હાજર લોકોના જણાવ્યા મુજબ, કારચાલક પ્રકાશ રબારી નશામાં ધૂત હતો. અકસ્માત બાદ લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું અને તેમણે પ્રકાશ રબારીને કારમાંથી બહાર કાઢી પકડી લીધો હતો. આ ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો.
કારમાંથી શંકાસ્પદ વસ્તુઓ મળી
અકસ્માતગ્રસ્ત કારની તલાશી લેતાં તેમાંથી પોલીસની વરદી, બિયરની ખાલી બોટલો અને કારની બીજી નંબર પ્લેટ પણ મળી આવી હતી. આ વસ્તુઓ મળ્યા બાદ લોકોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો.
પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી
આ સમગ્ર મામલે એમ ડિવિઝન ટ્રાફિક પોલીસે આરોપી પોલીસકર્મચારી પ્રકાશ રબારી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે જણાવ્યું હતું કે, આરોપીનો બ્લડ રિપોર્ટ લેવામાં આવ્યો છે અને તે રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ ઈજાગ્રસ્ત રિક્ષાચાલકની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, જ્યાં તેની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ ફરી એકવાર પોલીસની છબીને ખરડી છે અને રક્ષક જ ભક્ષક બને તેવા કિસ્સાઓ પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે.