– મોગરીમાં ગ્રામસભા યોજાઇ : સરકારને રજૂઆત કરવા નિર્ણય
– મોગરી ગામનું 22 ગામ પાટીદાર સમાજમાંથી અસ્તિત્વ અને ઈતિહાસ ભૂંસાઈ જવાની સંભાવના : કરમસદ આણંદ મનપા નામ જાહેર કર્યા બાદ પણ કરમસદ ગામમાં અસંતોષ
આણંદ : કરમસદ આણંદ મહાનગરપાલિકાના સીમાંકનમાં કરમસદ અને જીટોડિયાના સમાવેશના વિરોધ બાદ હવે મોગરી ગામના ગ્રામજનોએ પણ બેઠક યોજી વિરોધ વ્યક્ત કરતા ફરી વિવાદ સર્જાયો છે.
આણંદ મહાનગરપાલિકાની જાહેરાત થયા બાદ કરમસદનો આણંદ મનપામાં સમાવેશ કરી દેવાયો હતો.
બાદમાં સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના ગામ કરમસદનું અસ્તિત્વ ભૂંસાઈ જવાના ભય ઉભો થતા કરમસદને અલગ દરજ્જો આપવાની માંગણી સાથે સરદાર સન્માન સંકલ્પ સમિતિ બનાવી ગ્રામજનોએ વિરોધ શરૂ કર્યો હતો. વિરોધમાં જીટોડિયાના ગ્રામજનોએ પણ ટેકો આપ્યો હતો.
વ્યાપક વિરોધના પગલે સરકારે આણંદ મનપાનું નામ કરમસદ આણંદ મહાનગરપાલિકા રાખવાની જાહેરાત કરવા છતાં હજૂ વિરોધ ચાલુ રહ્યો છે.
કરમસદ આણંદ મનપામાં સમાવેશ કરાયેલા મોગરી ગામમાં આજે ગ્રામજનોએ ગ્રામસભા યોજી હતી. જેમાં જણાવ્યું હતું કે, મનપામાં સમાવેશ કરવામાં આવતા મોગરી ગામનું ૨૨ ગામ પાટીદાર સમાજમાંથી અસ્તિત્વ ભૂંસાઈ જાય તેવી સંભાવનાઓ ઉભી થઈ છે. ત્યારે સભામાં કરમસદ આણંદ મનપામાંથી મોગરી ગામના સમાવેશનો વિરોધ આગામી સમયમાં રાજ્ય સરકાર સુધી પહોંચાડવા નિર્ણય કરાયો હતો.