Bharuch News : ભરૂચ દૂધધારા ડેરીની આવતીકાલે શુક્રવારે (19મી સપ્ટેમ્બર) ચૂંટણી યોજાવાની છે. જેમાં ચૂંટણી પહેલા સાંસદ મનસુખ વસાવાનું નિવેદન સામે આવ્યું છે. વસાવાએ ગંભીર આક્ષેપ કર્યા કે, ‘જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે.’
મનસુખ વસાવાએ શું કહ્યું?
ભાજપના સાંસદ મનસુખ વસાવાએ આક્ષેપ કર્યા કે, ‘ભરૂચમાં સહકારી સંસ્થાઓ મૂળ હેતુથી વિખેરાઈ ગઈ છે, ત્યારે સહકારી માળખાનું શુદ્ધિકરણ જરૂરી બની ગયું છે. સહકારી સંસ્થાઓની ચૂંટણી ખરીદફરોત થઈ રહી છે. જેની પાસે વધુ પૈસા હશે તે જીતશે.’ ચૂંટણી પ્રક્રિયાની અંતિમ વિગતો પ્રમાણે, કુલ 21 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે અને 1 બેઠક બિનહરીફ છે. હવે 14 બેઠકો માટે આવતીકાલે 19 સપ્ટેમ્બરે મતદાન યોજાવાનું છે.
જાણો શું છે મામલો?
મળતી માહિતી અનુસાર, ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણીમાં વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ ભાજપના ઉમેદવારોની પેનલ સામે વિકાસ પેનલ ચૂંટણી મેદાને ઉતારી છે. તેમણે કહ્યું કે, ‘સસ્પેન્ડ કરવાનો કોઈ અર્થ નથી. આનાથી કોઈ ફરક પડે નહીં. અમારી વિકાસ પેનલ ચૂંટણી લડશે અને જીતશે કેમકે, કાર્યકરોનો સાથ-સહકાર છે.’
નોંધનીય છે કે, દૂધધારા ડેરીની મલાઈદાર ચૂંટણી માટે અરૂણસિંહ રાણાની પેનલના 3 ઉમેદવારો અને ઘનશ્યામ પટેલની પેનલના 12 ઉમેદવારોને પ્રદેશ ભાજપ દ્વારા મેન્ડેટ આપવામાં આવ્યું હતું. તેમ છતાં વાગરા ધારાસભ્યએ મેન્ડેટ વિરૂદ્ધ જઈ પોતાની પેનલ ઉતારી હતી. ચૂંટણી લડનાર સભ્યો પર કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચો: ગુજરાત એસટી વિભાગમાં દિવ્યાંગ ઉમેદવારો માટે ખાસ જાહેરાત, 571 કંડક્ટરની જગ્યાઓ પર ભરતી
ભરૂચ દૂધધારા ડેરીની ચૂંટણી પહેલા જ જિલ્લા ભાજપમાં મોટો ભડકો થયો છે. વાગરાના ધારાસભ્યની સહકાર વિકાસ પેનલના 9 ઉમેદવારોને પક્ષ વિરોધી પ્રવૃત્તિ બદલ સસ્પેન્ડ કરાયા હતા. જેમાં સસ્પેન્ડ થયેલા ઉમેદવારોમાં સાયખાના હેમતસિંહ રાજ, જંબુસરના જગદીશ પટેલ, કાવીઠાના જીગ્નેશ પટેલ, જંબુસરના નટવરસિંહ પરમાર, હાંસોટના શાંતાબેન પટેલ અને હાંસોટના જ વિનોદ પટેલ, સોમા વસાવા, દિનેશ બારીયા અને સુનિલ પટેલનો સમાવેશ થાય છે. ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીએ આ સભ્યોને તાત્કાલિક અસરથી પક્ષમાંથી તથા પ્રાથમિક સભ્ય પદેથી બરતરફ કર્યા હતા.