વડોદરા : શેર માર્કેટમાં રોકાણ કરશો
તો ઉંચુ વળતર મળશે તેમ જણાવી મહિલા સાથે રૃા.૧.૪૯ લાખની છેતરપિંડી કરવાના
બનાવમાં સંડોવાયેલા આરોપીએ જામીન અરજી
મુકતા ન્યાયાધીશે આરોપીની જામીન અરજી
નામંજૂર કરી હતી અને ચૂકાદમાં નોંધ્યું હતું કે, ગુનામાં આરોપીની પ્રથમદર્શનીય
સંડોવણી જણાઇ રહી છે.
બનાવની વિગત એવી છે કે, એક મહિલાએ
સાઇબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, તેમને વોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે, તમે જો
સ્ટોકમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હો તો તમને એક્સપર્ટ દ્વારા ટીપ્સ આપવામાં આવશે અને
તેનાથી તમને ઉંચુ વળતર મળશે. મેસેજ કરનારા શખ્સે ઉંચા વળતરની લાલચ આપતા તેઓ
વોટ્સએપ ગૃપમાં સામેલ થયા હતા અને ત્યાર બાદ વોટ્સએપ ગૃપમાં આવતી ટીપ્સ પ્રમાણે
તેમણે રોકાણ શરુ કર્યું હતું.
મહિલાના જણાવ્યા પ્રમાણે આરોપીઓએ તેમની પાસે જે એપ્લિકેશન
ડાઉનલોડ કરાવી હતી તેના થકી રોકાણ કરવામાં આવતું હતું અને રોકાણની તમામ વિગતો
વોલેટમાં દેખાતી હતી. તેમણે કુલ રૃ.૧.૪૯ કરોડનું કોરાણ કરતા તેની સામે રૃા.૧૨.૫૬
કરોડનો પોર્ટફોલિયો બતાવતો હતો એટલે તેમણે નાણા વિડ્રો કરવાનો પ્રયાસ કરતા નાણાં
વિડ્રો થઇ શક્યા ન હતા અને કસ્ટમર કેસ પર વાત કરતા તમારે રૃા.૨૦ લાખ પહેલા જમા
કરાવવા પડશે તેમ જણાવ્યું હતું.આ બનાવમાં પોલીસે
આકાશગીરી આનંદગીરી ગોસ્વામીની ધરપકડ કરી હતી અને તેણે જામીન અરજી મુકતા
ન્યાયાધીશે અરજદારની જામીન અરજી નામંજૂર કરી હતી.