સમાધાન બાદ અઢી મહિના સુધી વાયદાનું પાલન નહીં થતા આક્રોશ
માસિક 17 હજાર પગાર સહિતની માંગણીઓ સંતોષવા તા. 25મી સુધીનું કામદારોનું મહાનગરપાલિકાને અલ્ટીમેટમ
નડિયાદ: નડિયાદ મહાનગરપાલિકાના મહેકમમાં સમાવેશ કરવા અને આ નિર્ણય ના થાય ત્યાં સુધી સફાઈ કામદારોને માસિક ૧૭,૦૦૦ રૂપિયા પગાર સહિતની માંગણીઓ પર કોઈ કાર્યવાહી થઈ નથી. ત્યારે નડિયાદના સફાઈ કર્મચારીઓએ આંદોલનની ચિમકી ઉચ્ચારી છે. કામદારોની માંગણી સંતોષવામાં નહીં આવે તો તા. ૨૫મી સપ્ટેમ્બરે આંદોલનની ચિમકી ઉચ્ચારી મ્યુનિસિપલ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.
ખેડા જિલ્લા શ્રમિક સેવા સંઘે કરેલી રજૂઆતમાં જણાવ્યું છે કે, નડિયાદ મ્યુનિસિપલ કમિશનર સાથે બે મહિના પહેલા સફાઈ કામદારોને સમાધાન થયું હતું. જેમાં મહાનગરપાલિકાએ પાર્ટટાઇમ અને ફુલટાઇમ સફાઈ કર્મચારીઓને મહાનગરપાલિકાના મહેકમમાં સમાવેશ કરવા માટે દરખાસ્ત કરવાની બાંહેધરી આપી હતી. ઉપરાંત, કર્મચારીઓને ૧૭,૦૦૦ રૂપિયા માસિક પગાર આપવાની ખાતરી પણ આપવામાં આવી હતી.
સંઘનો આરોપ છે કે, અઢી મહિનાના ગાળામાં વાયદાઓનું પાલન કરવામાં આવ્યું નથી અને કર્મચારીઓને માત્ર ૧૧,૦૦૦ રૂપિયા જ પગાર ચૂકવવામાં આવે છે. ત્યારે જો તેમની માંગણીઓ પૂરી કરવામાં નહીં આવે અને આંદોલન થાય, તો તેની જવાબદારી મહાનગરપાલિકાની રહેશે. ત્યારે સફાઈ કર્મચારીઓને મહેકમમાં કાયમી ભરતી કરવા માટે દરખાસ્ત કરવાની અને નક્કી થયા મૂજબ માસિક પગાર આપવાની માંગણી તા. ૨૫ સપ્ટેમ્બર સુધી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલન શરૂ કરવામાં આવશે. આ મામલે મ્યુનિસિપલ કમિશનરના વલણથી સફાઈ કર્મચારીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.
– સફાઈ સેન્ટરો પર દબાણ કરી અલ્ટ્રા મોર્ડનનું ફોર્મ ભરાવાયું ઃ સફાઈ કામદારો
આ સમગ્ર મામલે સફાઈ કામદારોએ જણાવ્યું છે કે, જૂન-૨૦૨૫માં સફાઈ કામદારોએ આંદોલન શરૂ કરી સફાઈની કામગીરી બંધ કરી હતી. ત્યારે મહાનગરપાલિકાના ઉચ્ચાધિકારીઓએ નિર્દેશ આપી અને સફાઈના તમામ સેન્ટરો પર સબંધિત અધિકારીઓ પાસે દબાણ કરાવી અને અલ્ટ્રા મોર્ડન એજન્સીના ફોર્મ ભરાવ્યા હતા.
– અઢી મહિના અગાઉ હડતાલ સમયે કમિશનરે બાહેંધરી આપી હતી
અઢી મહિના અગાઉ નડિયાદ મહાનગરપાલિકાના તમામ સફાઈ કામદારો એકાએક હડતાલ પર ઉતરી ગયા હતા. જૂન માસમાં ૧૧ માસના કરારી અને આઉટસોર્સમાં ફરજ બજાવતા કર્મચારીઓને અચાનક અલ્ટ્રા મોર્ડન એજન્સીના કોન્ટ્રાક્ટમાં સમાવાતાનો મનપા તંત્રએ નિર્ણય કર્યો હતો. જે બાદ સફાઈ કામદારોએ આંદોલન શરૂ કર્યુ હતું. હડતાલ પર ઉતરી ગયેલા કામદારોને રીઝવવા માટે તંત્રએ તાબતોડ બેઠકો કરી હતી અને તે વખતે ખેડા જિલ્લા શ્રમિક સંઘ સાથે બેઠક કરી કમિશનરે મહેકમ ઉભુ કરવાની દરખાસ્તની બાહેંધરી આપી હતી.