મુંબઈ : ટેરિફ વોરને પગલે વિશ્વ વેપારના સમીકરણો બદલાઈ જવાની શકયતાને ધ્યાનમાં રાખી ભારત સરકાર લેપટોપ્સ, સર્વર્સ તથા કોમ્પ્યુટર્સની આયાત પરના અંકૂશો દૂર કરવા વિચારી રહી હોવાનું આધારભૂત સુત્રોએ જણાવ્યું હતું.
પ્રોડકશન લિન્કડ સ્કીમ હેઠળ ઘરઆંગણે ઉત્પાદનની અપાયેલી ખાતરીઓનું ઉત્પાદકો પાલન કરે તેવી સરકાર ઈચ્છા ધરાવે છે.
ઘરઆંગણેના ઉત્પાદનના મૂલ્ય વધારવા લેપટોપ તથા આઈટી હાર્ડવેર સાધનો અને પાર્ટસ ઉત્પાદકોએ તેમની નવી યોજનાઓ અંગે સરકાર સાથે ચર્ચા કરી હોવાનું પણ માનવામાં આવે છે.
સ્થાનિક સ્તરે ઉત્પાદન વધારવા તથા પ્રિન્ટેડ સર્કિટ બોર્ડસ, કેસિંગ્સ, સ્પીકર્સ, માઈક્રોફોન્સ જેવા પાર્ટસ સ્થાનિક સ્તરેથી જ મેળવવાની યોજના વિશે ચર્ચા કરાઈ હોવાનું સુત્રોએ જણાવ્યું હતું.
લેપટોપ્સ તથા સંબંધિત આઈટેમ્સની મુકત આયાત પર અંકૂશો મૂકવાની યોજના પહેલા ભારત દ્વારા હિસ્સેદારો સાથે ચર્ચાવિચારણા નહીં કરવા બદલ અમેરિકાએ ભારતની ટીકા કરી હતી. જો કે ભારતે આ યોજના હાલમાં બાજુ પર મૂકી દીધી છે.
લેપટોપ્સ, ટેબ્લેટસ, કોમ્પ્યુટર્સ તથા સંબંધિત આઈટેમ્સની મુકત આયાત પર અંકૂશો મૂકવાની ભારતે ઓગસ્ટ, ૨૦૨૩માં જાહેરાત કરી હતી. જો કે આ જાહેરાતના અનેક સ્તરેથી પડઘા પડતા સરકારે આ નિર્ણય મોકૂફ રાખવો પડયો હતો અને તેના સ્થાને ઓકટોબર, ૨૦૨૩માં ઈમ્પોર્ટ મેનેજમેન્ટ સિસ્ટમ ધોરણ લાગુ કરાયું હતું જે હેઠળ આઈટી હાર્ડવેર કંપનીઓ માટે રજિસ્ટ્રેશન તથા તેમના દ્વારા કરાતી આયાતની જાણકારી પૂરી પાડવાનું ફરજિયાત બનાવાયું હતું. આ ધોરણ ૩૧મી ડિસેમ્બર, ૨૦૨૫ સુધી લંબાવાયું છે. હિસ્સેદારો સાથે અગાઉથી ચર્ચાવિચારણા નહીં કરવા બદલ અમેરિકાના નિકાસકારોએ ચિંતા વ્યકત કરી હતી.