મોરબી અને રાજકોટમાં આવકવેરા વિભાગની તપાસ દરમિયાન લેવીસ, મેટ્રો સિરામીક ગ્રુપ ઉપરાંત તેની સાથે સંલગ્ન ધંધાર્થીઓનાં 32 બેંક લોકરો સીલ કરાયા; 5 ચ કરોડની જવેલરી મળી હોવાનું બહાર આવ્યું
રાજકોટ, : મોરબી અને રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા સિરામીકનાં જાણીતા લેવીસ અને મેટ્રો, ઈડન અને મોર્ડન હોમ પ્લાન ગુ્રપને ત્યાં છેલ્લા ત્રણ દિવસથી આવકવેરાના અધિકારીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. સર્ચ ઓપરેશન દરમિયાન 250 કરોડના શંકાસ્પદ આર્થિક વ્યવહારો બહાર આવ્યા હોવાની વિગતો આજે સામે આવી હતી. દરમિયાન રૂ. 11 કરોડની રોકડ અને પ કરોડની જવેલરી સાથે થોકબંધ હિસાબી સાહિત્ય કબજે કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું હતું.
રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ચર્ચાસ્પદ આવકવેરા વિભાગની આ રેડમાં એક સાથે 40 ટીમો દ્વારા ત્રણ દિવસથી મોરબીના સિરામીક ગ્રુપ ઉપરાંત તેની સાથે જોડાયેલા રાજકોટના કન્સ્ટ્રકશન અને કોટનના ધંધાર્થીઓને ત્યાં હાથ ધરવામાં આવેલી તપાસ આજે આગળ ધપાવવામાં આવી હતી. આવકવેરા વિભાગના સૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું કે મોરબીમાં હાથ ધરવામાં આવેલી તપાસમાં ફીઝીકલ ઉપરાંત ડિઝીટલ હિસાબી સાહિત્યની ચકાસણી કરવામાં આવતા 250 કરોડનાં બિનહિસાબી નાણાંકિય વ્યવહારો મળી આવ્યા છે. તદ્દઉપરાંત રૂ. 11 કરોડની રોકડ અને રૂ.5 કરોડની જવેલરી ટાંચમાં લેવામાં આવી છે. હજૂ આર્થિક વ્યવહારોની તપાસ ચાલી રહી છે. બે દિવસ સુધી તપાસ ચાલશે ત્યાર બાદ કરચોરીની સતાવાર વિગતો જાહેર થશે. મોરબીમાં આજે ત્રીજા દિવસે આવકવેરાના અધિકારીઓએ 35 જેટલા બેંક લોકરો સીલ કર્યા હતા. તપાસ પુરી થયા બાદ મોટી કરચોરી બહાર આવે તેવી સંભાવના આવકવેરાના સૂત્રોએ દર્શાવી હતી.