Vadodara Narmada Canal : વડોદરા શહેરના રહેણાંક વિસ્તારમાંથી પસાર થઇ રહી છે. છાશવારે આ કેનાલમાં વ્યક્તિઓના ડૂબી જવાથી મોતની ઘટનાઓ ઘટી રહી છે. ત્યારે ગતરાત્રે કેનાલમાં નાહવા પડેલા 2 યુવકો પૈકી એક યુવકનું મોત નીપજ્યું છે. મૃતક યુવાન વોર્ડ નં 1ના કાઉન્સેલર જ્હા ભરવાડનો ભત્રીજો છે. સ્થાનિકો દ્વારા કેનાલ ફરતે ફેન્સીંગની માંગણી અવારનવાર કરવામાં આવી રહી છે. તેમ છતાં કેનાલ અંગે લોકોની સુવિધા સુરક્ષાને લઇ તંત્રના પેટનું પાણી હાલી રહ્યું નથી.
પાછલા 3 વર્ષમાં કેનાલ અનેકને ભરખી ગઈ
ગત માર્ચ મહિના દરમ્યાન નવાયાર્ડ ગરીબનવાઝ નગરમાં રહેતા 19 વર્ષીય સરફરાજ પઠાણ કેનાલમાં ઉતરતાં વહેણમાં તણાયો હતો. તેને બચાવવા માટે મિત્રએ પ્રયાસ કર્યો હતો પરંતુ તેને સફળતા મળી નહતી. વર્ષ 2023માં સેલ્ફી લેતા અચાનક દેર મોરે કેનાલમાં પડતા લાપતા થયો હતો. બે દિવસ બાદ પંચવટી કેનાલ પાસેથી યુવક દેવ મોરેનો મૃતદેહ મળ્યો હતો. વર્ષ 2023માં ઓ.પી.રોડ અક્ષર રેસિડેન્સીમાં રહેતો નિલેશ મિશ્રા નામનો યુવક મિત્રો સાથે ગોરવા પંચવટી કેનાલ ગયો હતો. કેનાલમાં પડી જતા ડૂબી જતા તેનું મોત થયું હતું. વર્ષ 2023માં સમા કેનાલમાં બે મહિલાઓ ડૂબતા એક મહિલાને બચાવાઇ જ્યારે એક મહિલાનું મોત નીપજ્યું હતું.
સોલાર પેનલ સફાઈ તથા કપડાં ધોતી વખતે પણ ડૂબ્યા
વર્ષ 2024 એપ્રિલમાં ચંદ્રેશ અગ્રવાલ નામનો યુવક સોલાર પેનલ સાફ કરવા માટે ચઢ્યો હતો. તે દરમિયાન અચાનક તે લપસતા સીધો કેનાલમાં ખાબક્યો હતો. ચંદ્રેશ અગ્રવાલના પરિજનો અને સમાજના અગ્રણીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને કામગીરી દરમ્યાન સુરક્ષા સેફટીના સાધનો ન આપતા મોતને ભેટ્યો હોવાના આક્ષેપ કર્યા હતા. વર્ષ 2023 જાન્યુઆરીમાં સમા કેનાલ પાસે કપડાં ધોતી વખતે એક બાળકીનો પગ લપસતાં તે કેનાલમાં ડૂબવા લાગી હતી. પુત્રીને કેનાલમાં ડૂબતી જોઈને માતા અને અન્ય પુત્રી પણ તેને બચાવવા માટે કેનાલમાં કૂદી પડ્યા હતા. આ દુર્ઘટનામાં સ્થાનિકોએ માતા અને બન્ને પુત્રીને કેનાલમાંથી બહાર કાઢ્યા હતા પરંતુ બાળકીનું મોત નીપજ્યું હતું
કેનાલ ફરતે ફેન્સિંગની માંગની અવગણના !
માર્ચ મહિના દરમ્યાન 18 વર્ષીય યુવાન સરફરાઝ પઠાણનું કેનાલમાં ડુબી જવાથી મોત નિપજ્યા બાદ મોત સહિતની દુર્ઘટનાઓ રોકવા કેનાલની ફરતે તાત્કાલિક ફેન્સિંગ માટે જાગૃત નાગરિકોએ નર્મદા યોજના નહેર વિભાગને રજૂઆત કરી હતી. નર્મદા નહેર ટીપી 13 રહેણાંક વિસ્તારમાંથી પસાર થઈ રહી હોય મોટી સંખ્યામાં સ્થાનિકો નહેર બાજુમાં આવેલ માર્ગનો ઉપયોગ કરે છે. ભુતકાળમાં આવી અનેક ઘટનાઓ ઘટી ચૂકી છે. જેથી નહેરની આજુબાજુ મજબૂત ફેન્સીગ કરવામાં આવે તો ભવિષ્યમાં ફરી કોઈ જાનહાનિ ન સર્જાય તેવી રજૂઆત કરી હતી.