IIM Ahmedabad Final Placements: આઈઆઈએમ અમદાવાદ દ્વારા 2023-25ની પીજીપી એમબીએની બેચના વિદ્યાર્થીઓના ફાઈનલ પ્લેસમેન્ટનો રિપોર્ટ જાહેર કરવામા આવ્યો છે. જે અનુસાર, કુલ 395 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયુ છે. જેમાં એવરેજ કે સરેરાશ કહી શકાય તેટલુ વાર્ષિક પેકેજ 34થી 35 લાખ રૂપિયાની આસપાસ રહ્યુ છે. જ્યારે 11 વિદ્યાર્થીએ સંસ્થા દ્વારા પ્લેસમેન્ટ સ્વીકાર્યું ન હતું કે ભાગ લીધો ન હતો.
બે વિદ્યાર્થીને વિદેશમાં પ્લેસમેન્ટ
આઈપીઆરએસ પ્લેસમેન્ટ રિપોર્ટ અનુસાર, આઈઆઈએમ અમદાવાદના પીજીપીએમબીબીએ પ્રોગ્રામમાં 2025માં કુલ 383 વિદ્યાર્થીઓ પાસ થયા હતા. જ્યારે 9 વિદ્યાર્થીઓ ડ્યુઅલ ડિગ્રીના (2026માં ગ્રેજ્યુએટિંગ) છે. 2025ના ફાઈનલ પ્લેસમેન્ટમાં કુલ 406 વિદ્યાર્થીઓ લાયક હતા. પરંતુ 11 વિદ્યાર્થીએ સંસ્થાના પ્લસમેન્ટમાં ભાગ ન લઈને પોતાની રીતે નોકરી મેળવવાનું પસંદ કર્યું હતું. જ્યારે કુલ 395 વિદ્યાર્થીઓનું ફાઈનલ પ્લેસમેન્ટ થયું હતું. જેમાં એવરેજ 34.59 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ રહ્યું છે. આ આંકડો એ છે કે જેનાથી નીચે 50 ટકા અને જેનાથી ઉપર 50 ટકા વિદ્યાર્થીઓના પેકેજની રકમ છે. પરંતુ કુલ વિદ્યાર્થીઓ અને પેકેજની કુલ રકમને જોઈએ તો એવરેજ 35.50 લાખ રૂપિયાનું વાર્ષિક પેકેજ છે.
આ પણ વાંચો: વડોદરામાં AI જનરેટેડ પોસ્ટને કારણે માથાકૂટ, પોલીસ સ્ટેશનને બાનમાં લેવાયું
એક વિદ્યાર્થીને સૌથી વધુ 1.10 કરોડ રૂપિયાનું અને એક વિદ્યાર્થીને સૌથી ઓછું 17 લાખ રૂપિયાનુ વાર્ષિક પેકેજ મળ્યુ હતું. હાઈએસ્ટ પેકેજમાં સેલેરી 71.12 લાખ રૂપિયા અને એવેરેજ પેકેજમાં સેલેરી 25.31 લાખ રૂપિયા છે. કુલ 395 વિદ્યાર્થીઓમાં 393 વિદ્યાર્થીઓનું ભારતની કંપનીઓમાં અને બે વિદ્યાર્થીનું દુબઈની કંપનીમાં પ્લેસમેન્ટ થયું છે. ફોરેન પ્લેસમેન્ટમાં 1.03 લાખ ડૉલરથી વધુનું પેકેજ છે. સેકટરવાઈઝ પ્લેસમેન્ટ જોઈએ તો સૌથી વધુ 156 વિદ્યાર્થીઓનું કલ્ટિંગમાં, 99 વિદ્યાર્થીઓનું બેકિંગ-ફાઈનાન્સમાં અને સૌથી ઓછા બે વિદ્યાર્થીઓનું એનાલિટિક્સ-એગ્રી ઈનપુટમાં પ્લેસમેન્ટ થયું છે. વર્ષ 2024માં એવરેજ પેકેજ 32થી 35 લાખ રૂપિયા સુધીનું રહ્યુ હતું. જ્યારે 1.12 કરોડ રૂપિયા અને સૌથી ઓછું 18 લાખ રૂપિયા સુધીનું રહ્યું હતું. આમ પેકેજના આંકડામાં ટકાવારી મુજબ કોઈમોટો ફેરફાર થયો નથી.
માત્ર બે જ વિદ્યાર્થીએ સ્ટાર્ટઅપ પસંદ કર્યું
આઈઆઈએમ અમદાવાદના ફાઈનલ પ્લેસમેન્ટ રિપોર્ટ અનુસાર, કુલ 395 વિદ્યાર્થીઓનું પ્લેસમેન્ટ થયું છે ત્યારે આ વર્ષે માત્ર બે જ વિદ્યાર્થીએ નોકરી પસંદ કરવાને બદલે પોતાનું વેન્ચર શરૂ કરવાનું એટલે કે સ્ટાર્ટઅપ કરવાનું પસંદ કર્યું છે. જેઓને આઈઆઈએમએની ફેલોશિપની મદદ પણ મળી છે. વર્ષ 2024માં 386 વિદ્યાર્થીનુ પ્લેસમેન્ટ થયું હતું અને પાંચ વિદ્યાર્થીએ સ્ટાર્ટઅપ પસંદ કર્યું હતું.