વડોદરા, તા.27 શહેર નજીક અંકોડિયા કેનાલરોડ પરની અવાવરુ જગ્યા પર એક યુવાન અને યુવતીને લૂંટી લેવાની ઘટનામાં બે દિવસ બાદ પોલીસે આખરે લૂંટની ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે. બે દિવસની તપાસ છતાં પણ હજી લૂંટારૃઓ હાથ લાગ્યા નથી.
ઉલ્લેખનીય છે કે નવરાત્રિ દરમિયાન શહેરની આસપાસના પશ્ચિમ વિસ્તારમાં અવાવરુ સ્થળો પર જતા યુગલોને ટાર્ગેટ કરી કેટલાંક માથાભારે શખ્સો યુગલો પાસેની મત્તા લૂંટી લેતા હોય છે. આ વખતે શહેર અને જિલ્લા પોલીસ દ્વારા વ્યાપક બંદોબસ્ત કરવામાં આવ્યો છતાં પણ ગુનેગારો ગુનો આચરવામાં સફળ રહ્યા હતાં. અંકોડિયા કેનાલ પાસે તા.૨૫ની રાત્રે એક યુવક અને યુવતીને ત્રણ બુકાનીધારી શખ્સો ધાકધમકીઓ આપી બળજબરીથી લૂંટી ગયા હતાં.
આ બનાવ જાહેર થતાં જ શહેર અને જિલ્લા પોલીસ દોડતી થઇ ગઇ હતી. જો કે બનાવ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં બન્યો હોવાથી જિલ્લા પોલીસ દ્વારા લૂંટારૃઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરાઇ હતી. જિલ્લા એલસીબી અને એસઓજી સ્ટાફ પણ લૂંટનો ભેગ ઉકેલવામાં જોડાયો હતો. શરૃઆતમાં ફરિયાદી કોઇ ફરિયાદ આપવા તૈયાર થતા નહી હોવાનું પોલીસે જણાવ્યું હતું જો કે આજે બપોરે પોલીસે અચાનક ફરિયાદ દાખલ કરી તપાસ આગળ વધારી છે.
ગોત્રી ગામમાં પોસ્ટ ઓફિસવાળા ફળિયામાં રહેતા શિવમ જયેશકુમાર બ્રહમભટ્ટે તાલુકા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યું હતું કે અજાણ્યા શખ્સો ધાકધમકી આપીને બે મોબાઇલફોન, સોનાની એક કડી, બે ચાંદીની બુટ્ટી અને સોનાની ચેન મળી કુલ રૃા.૫૧૫૦૦ની મત્તા લૂંટી હતી. પોલીસે સ્થળ પર તપાસ હાથ ધરી સંબંધીત શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. ગુનાને બે દિવસનો સમય થવા છતાં હજી લૂંટારૃઓનો કોઇ પત્તો લાગ્યો નથી.