ગુજસીટોકના કેસનો આરોપી અલ્પુ સિંધી તેના સાગરિતો મારફતે વડોદરા તથા આજુબાજુમાં દારૂનો સપ્લાય કરતો હતો. વારસિયા પોલીસ મથકમાં મે મહિનામાં 8 આરોપીઓ વિરૂદ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો હતો. જેમાં અગાઉ પાંચ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી વિરૂદ્ધ 61 જેટલા ગુનાઓ નોંધાયેલા છે. આજે કોર્ટમાં તપાસ અધિકારીના સોગાદનામાને ધ્યાને લેતા સ્પેશિયલ પબ્લિક પ્રોસિક્યુટર ગુજસીટોક રઘુવીર પંડયાની દલીલો થઈ હતી કે, આરોપી પાવાગઢ, રાજપીપળા તથા હરિયાણા સહિતના સ્થળોએથી દારૂનો જથ્થો મેળવી વેચાણ કરતો હોય , એક ફોર્ચ્યુનર કાર અને એક બાઈકની તપાસ કરવા તેમજ આરોપીએ પત્ની હેમા ઉર્ફે કશીશના નામે મહાવીર ચાર રસ્તા પાસે ચાર માળનું રુદ્ર કોમ્પલેક્ષ રૂ. 2.10 કરોડમાં ખરીદ્યું હોય તથા જરોદ ગામમાં આઠ અને દસ વીઘા જમીન 10 વર્ષના ભાડાપટ્ટે મેળવી હોય આટલી મોટી રકમ કેવી રીતે આવી તે દિશામાં તપાસ કરવા, દારૂના ધંધાના હિસાબની ડાયરી હરિયાણા ખાતેથી કબ્જે કરવા તેમજ આરોપીએ હરિયાણા ખાતેના પોતાના ઓળખ પુરાવા ઊભા કર્યા હોય હરિયાણા ખાતે પણ મિલકતમાં રોકાણની શક્યતા જણાવી આરોપીના ૩૦ દિવસના રિમાન્ડની માંગ કરી હતી.