– સાંસદોના અચ્છે દિન : વધી રહેલા ખર્ચાને ધ્યાનમાં રાખીને પગારમાં 24 ટકાના વધારાનો નિર્ણય લેવાયો
– સાંસદોનો પગાર મહિને રૂ. 1.24 લાખ, દૈનિક ભથ્થુ રૂ. 2500, પેન્શન પણ વધારીને રૂ. 31000 કરાયું : ઓફિસ ખર્ચ માટે મહિને રૂ. 60 હજાર
– સરકારી આવાસ ના લે તો બે લાખની છૂટ, વર્ષે 34 હવાઇ મુસાફરી મફત
– 2018થી દર પાંચ વર્ષે પગાર-ભથ્થુ-પેન્શનમાં વધારા અંગે નિર્ણય લેવાય છે
નવી દિલ્હી : એક તરફ પ્રજા મોંઘવારીની હાડમારી સહન કરી રહી છે જ્યારે બીજી તરફ પ્રજાના જનપ્રતિનિધિઓને આ જ મોંઘવારી ફળી રહી છે. કેન્દ્ર સરકારે સાંસદોને મળતા પગારમાં એક સાથે ૨૪ ટકાનો વધારો કરી નાખ્યો છે. જેને પગલે હવે સાંસદોને મહિને ૧.૨૪ લાખ રૂપિયાનો પગાર મળશે જે અગાઉ એક લાખ રૂપિયા હતો. આ પગાર વધારો ૧ એપ્રીલ, ૨૦૨૩થી લાગુ ગણવામાં આવશે. સાંસદોનો પગાર ઉપરાંત દૈનિક ભથ્થું બે હજાર રૂપિયાથી વધારીને ૨૫૦૦ રૂપિયા કરવામાં આવ્યું છે. હાલમાં દેશમાં મોંઘવારીની જે સ્થિતિ છે તેને ધ્યાનમાં રાખીને સાંસદોના પગારમાં વધારો કરવાનો આ નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો હતો.
સંસદીય બાબતોના મંત્રાલય દ્વારા પગાર વધારા અને પેંશનમાં ફેરફાર અંગે નોટિફિકેશન જાહેર કરાયું હતું, જે મુજબ વર્તમાન સાંસદોને હવે મહિને ૧.૨૪ લાખ રૂપિયા પગાર મળશે સાથે જ દૈનિક પથ્થું પણ રૂ. ૨૫૦૦ કરી દેવામાં આવ્યું છે. જ્યારે પૂર્વ સાંસદોના પેંશનમાં પણ વધારો કરાયો છે, પૂર્વ સાંસદોને હાલ મહિને રૂ. ૨૫૦૦૦ પેંશન મળે છે જે વધારીને રૂ. ૩૧૦૦૦ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૧૮માં દર પાંચ વર્ષે સાંસદોના પગારમાં ફેરફાર કરવાનો નિયમ બનાવ્યો હતો, જેમાં મોંઘવારી વગેરેને ધ્યાનમાં લઇને ફેરફાર કરવામાં આવે છે. એટલે કે હાલ મોંઘવારી વધી હોવાથી તે મુજબ સાંસદોનો પગાર વધારવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ મોંઘવારીનો સામનો કરી રહેલી પ્રજા અચ્છે દિનની રાહ જોઇ રહી છે.
એવા પૂર્વ સાંસદો કે જેઓ એકથી વધુ વખત સાંસદ રહ્યા હોય તેમને સેવાના દરેક વર્ષ માટે વધારાના પેંશન તરીકે ૨૫૦૦ રૂપિયા મહિને આપવામાં આવશે. જે અગાઉ બે હજાર રૂપિયા હતા. આ પહેલા છેલ્લે એપ્રીલ ૨૦૧૮માં સાંસદોના પગાર અને ભથ્થામાં ફેરફાર કરવામાં આવ્યો હતો. હાલમાં લોકસભામાં ૫૪૩ જ્યારે રાજ્યસભામાં ૨૪૫ સાંસદો છે જેમને આ પગાર અને દૈનિક ભથ્થામાં વધારાનો લાભ મળશે જ્યારે પૂર્વ સાંસદોને પેંશનમાં વધારાનો ફાયદો થશે. સરકારી નાણામાંથી આ તમામ લાભ સાંસદોને આપવાના હોવાથી સરકાર પર તેનો આર્થિક બોજો પણ વધી જશે. આ તો માત્ર સાંસદોના પગાર અને ભથ્થાની માહિતી છે જ્યારે તેમને અન્ય અનેક લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે.
વર્તમાન સાંસદોને પગાર, ભથ્થુ ઉપરાંત બીજા અનેક સરકારી લાભ મળે છે જેમાં પોતાના મતવિસ્તારમાં કામ કરવા માટે ૭૦ હજાર રૂપિયા દર મહિને મતવિસ્તાર ભથ્થુ અપાય છે, સાથે જ ઓફિસના ખર્ચા માટે પ્રતિ માસ ૬૦ હજાર રૂપિયા આપવામાં આવે છે. જેમાં કર્મચારીઓનો પગાર, સાંસદોના ટેલિફોન અને સ્ટેશનરી ખર્ચનો પણ સમાવેશ થાય છે. એટલુ જ નહીં સાંસદોને પોતાના તેમજ પોતાના પરિવાર માટે દર વર્ષે ૩૪ ફ્રી હવાઇ મુસાફરીનો લાભ અપાય છે. જે સાંસદો સરકારી આવાસ લેવાની ના પાડે તેઓ પ્રતિ માસ બે લાખ રૂપિયા આવાસ ભથ્થુ આપવાની માગ પણ કરી શકે છે. આ ઉપરાંત ૫૦ હજાર યુનિટ વીજળી મફત અપાય છે, પરિવારના સભ્યો માટે કેન્દ્રીય સરકાર સ્વાસ્થ્ય યોજના હેઠળ હેલ્થ કવરેજ અપાય છે