Vadodara Accident : વડોદરામાં પોલીસ દ્વારા અસામાજિક તત્વો સામે ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે અને પોલીસ મોટી સંખ્યામાં રસ્તાઓ પર દેખાઈ રહી છે તેમ છતાં હજી કેટલાક વાહન ચાલકો લોકોનો જીવ જોખમમાં મુકાય તે રીતે વાહન ચલાવી રહ્યા છે. શહેરના કારેલીબાગ, અકોટા અને સલાટવાળામાં હિટ એન્ડ રનના ઉપરાછાપરી ત્રણ બનાવો બન્યા હોવા છતાં અનેક વાહન ચાલકો હજુ પણ બેફાન વાહન હંકારી પોતાની સાથે બીજાના જીવને પણ જોખમમાં મુકી રહ્યા છે. ગઈ કાલે બુધવાર રાત્રે આવી જ એક ઘટના ઘટી, જેમાં ગોરવા ઉંડેરા રોડ પર કુમકુમ પાર્ટી પ્લોટ પાસે ફુલ સ્પીડે જઈ રહેલી કાર અચાનક ડીવાઈડર સાથે ધડાકાભેર ભટકાયા બાદ બે થી ત્રણ વખત પલટી ગઈ હતી, અકસ્માતના કારણે આવેલા ધડાકાના અવાજથી લોકોમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
આ વિસ્તારમાં રહેતા પુષ્પાબેન વાઘેલાએ કહ્યું હતું કે, ‘રાત્રિના સમયે આ રોડ પર લોકો ચાલવા માટે નીકળતા હોય છે અને વાહનોની અવરજવર પણ ચાલુ હોય છે. સારા નસીબે આ બનાવ બન્યો ત્યારે કોઈ ખાસ લોકો રસ્તા પર હતા નહીં, જેના કારણે જાનહાનિ થતા રહી ગઈ હતી.
ઊંધી થયેલી કારમાંથી નીકળી ભાગી ગયા 3 લોકો
અકસ્માત થયા બાદ અંદરથી બે થી ત્રણ જણા બહાર નીકળીને ભાગી ગયા હતા. લોકોએ કાર સીધી કરી હતી. બનાવ અંગે ફતેગંજ પોલીસને જાણ કરતા તેમણે કાર કબજે કરી તપાસ હાથ ધરી છે.
કારેલીબાગમાં પલટી ગઈ રિક્ષા
આવી રીતે કારેલીબાગ પાણીની ટાંકી પાસે ગઈ રાત્રે એક રિક્ષા પસાર થઈ રહી હતી ત્યારે ફૂલ સ્પીડે કોઈ વાહન નીકળતા રિક્ષા ચાલકે સ્ટેયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને સર્કલ પાસે પલટી ગઈ હતી. આસપાસ રહેલા લોકોએ તાત્કાલિક રિક્ષાને સીધી કરી હતી. આ વખતે રિક્ષામાં ડ્રાઇવર સિવાય કોઈ હાજર નહીં હોવાથી જાનહાની થઈ ન હતી.