વડોદરાઃ સમા વિસ્તારની નવી નગરીમાં દારૃનો અડ્ડો ચલાવતા દિલીપ સોલંકી દ્વારા દારૃ પીવા વાળા માટે બેસવાની અને નાસ્તા જેવી સવલતો સાથે ગ્લાસમાં દારૃ પીરસવામાં આવતો હોવાની વિગતોને પગલે સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડતાં પાંચ જણા પકડાયા હતા.
નવી નગરીમાં અગાઉ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડવામાં આવ્યો ત્યારે બુટલેગર અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો.નવી નગરીમાં હવે દિલીપ નામનો સંચાલક દારૃનો અડ્ડો ચલાવી લોકોને દારૃ અને બીયર પીવા માટે સવલતો પણ આપતો હોવાની માહિતી મળતાં ગઇકાલે નમતી બપોરે એસએમસીએ દરોડો પાડયો હતો.
પોલીસને જોતાં જ નાસભાગ મચી હતી અને આઠ થી દસ જણા ભાગવામાં સફળ રહ્યા હતા.જ્યારે પાંચ જણા પકડાઇ ગયા હતા.જેમાં તેજસ ઉલ્લાસભાઇ ઓઝા(હરણી વારસિયા રિંગરોડ),ધર્મેન્દ્ર કેશવભાઇ ચૌહાણ (કુમેઠા,વાઘોડિયા),હિંમત હીરાભાઇ માલી વાડ(આમોદર,વાઘોડિયા),ભરત વિઠ્ઠલભાઇ પરમાર(પ્રાણાયામ હોસ્પિટલ સામે, ન્યુવીઆઇપી રોડ)અને ભાવેશ કિશોરભાઇ ઠક્કર(સિધ્ધાર્થ સો.હરણી મોટનાથરોડ)નો સમાવેશ થાય છે.
પોલીસે ચાર ટુવ્હીલર,દારૃ અને બીયરની ૧૧૨ બોટલ,ચાર મોબાઇલ, ૧૦ ખાલી ગ્લાસ,૭ ખાલી બોટલ,નાસ્તાના પેકેટો વગેરે મળી કુલ રૃ.૧.૮૭લાખની મત્તા કબજે કરી સૂત્રધાર દિલીપ હરમાનભાઇ સોલંકીને વોન્ટેડ જાહેર કર્યો છે.