વડોદરાઃ વિદ્યાર્થીઓમાં આત્મહત્યાનું વધી રહેલું પ્રમાણ સમાજ માટે ચિંતાનો વિષય છે. વિદ્યાર્થીઓને શિક્ષકો આત્મહત્યા કરતા અટકાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે છે.આ બાબતને ધ્યાનમાં રાખીને એમ.એસ.યુનિવર્સિટીની હોમસાયન્સ ફેકલ્ટી( ફેકલ્ટી ઓફ ફેમિલી એન્ડ કોમ્યુનિટી સાયન્સ), ઈન્ટરનલ ક્વોલિટી એસ્યોરન્સ સેલ દ્વારા યુનિવર્સિટીમાં પહેલી વખત હોમ સાયન્સ ફેકલ્ટીના અધ્યાપકો માટે કોશિશ શિર્ષક હેઠળ વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં યુનિવર્સિટીના સાયકોલોજી વિભાગ , હોમસાયન્સ ફેકલ્ટીના હ્યુમન ડેવલપમેન્ટ એન્ડ ફેમિલિ સ્ટડીઝ વિભાગના નિષ્ણાતોએ શિક્ષકોને માર્ગદર્શન આપ્યું હતું.એચડીએફએસના હેડ પ્રો.રચના ભનગાંઓકરે એક વાતચીતમાં કહ્યું હતું કે, વિદ્યાર્થીઓની વર્તણૂંકમાં કયા પ્રકારના ફેરફાર જોવા મળે તો તેના માતા પિતાને જાણ કરવી જોઈએ અથવા તો સંસ્થાના કાઉન્સિલરનો સંપર્ક કરવો જોઈએ તે અંગે શિક્ષકોને જાણકારી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓ ડર વગર વાત કરી શકે તે પ્રકારનો માહોલ ઉભો કરવા માટે શિક્ષકોને અપીલ કરાઈ હતી.
શિક્ષકોએ શું કરવું જોઈએ
વર્કશોપમાં નિષ્ણાતોએ શિક્ષકોને જાણકારી આપતા કહ્યું હતું કે,
–વિદ્યાર્થી કોઈ સમસ્યા અંગે વાત કરે તો સહાનુભૂતિ પૂર્વક સાંભળો
–વિદ્યાર્થી અંગે કોઈ પણ પ્રકારની પૂર્વધારણા બાંધવાથી બચો
–વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે હળવા મળવાનું ટાળે અને અતડો રહે અથવા વાત વાતમાં ગુસ્સે થઈ જાય તો તેના પર ધ્યાન આપવું જોઈએ
— ક્લાસરુમમાં અપાતા ટાસ્કમાં કોઈ વિદ્યાર્થી સામેલ થવાનો ઈનકાર કરે અથવા સહકાર ના આપે તો તે પણ ખતરાની ઘંટડી છે.