– પેટલાદના ચાંગા મલાતજ રોડ પર
– સીસીટીવી ફૂટેઝના આધારે અજાણ્યા રિક્ષા ચાલક સામે ફરિયાદ દાખલ
આણંદ : પેટલાદના ચાંગા મલાતજ રોડ ઉપર લગભગ એક માસ પૂર્વે એક રાહદારી વૃદ્ધનું રિક્ષાની ટક્કરે મોત થયું હતું. એક માસ બાદ સીસીટીવી ફૂટેઝમાં અજાણ્યો રિક્ષા ચાલક વૃદ્ધને અડફેટે લેતો દેખાતા મહેળાવ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પેટલાદ તાલુકાના ચાંગા ગામે યોગીનગર ખાતે રહેતા ૬૭ વર્ષીય કાંતિભાઈ મેલાભાઈ પરમાર ગત તારીખ ૨૩મી ઓગસ્ટના રોજ સાંજના સુમારે ઘર નજીક આવેલા ઘંટીએ જવા ચાલતા નીકળ્યા હતા મોડી રાત સુધી તેઓ ઘરે પરત આવ્યા ન હતા. પરંતુ બીજા દિવસે સવારે ચાંગા મલાતજ રોડ ઉપર આવેલી ગેસ એજન્સીની સામેથી કાંતિભાઈ પરમાર ઇજાગ્રસ્ત અને બેભાન હાલતમાં મળી આવ્યા હતા તેઓને ૧૦૮ ને જાણ કરતા ટીમ દોડી આવી હતી અને કાંતિભાઈને તપાસીને મૃત જાહેર કર્યા હતા કાંતિભાઈનું કોઈ કારણોસર મોત થતાં પ્રફુલભાઈ પરમારએ મહેડાવ પોલીસ મથકમાં જાણ કરી હતી. દરમિયાન તપાસ કરતા એક સીસીટીવી કેમેરાના ફૂટેજમાં કાંતિભાઈ પરમાર ઘંટીએથી પરત જતા હતા ત્યારે ગેસ એજન્સી સામે કોઈ અજાણ્યા રિક્ષા ચાલકે તેઓને ટક્કર મારી પોતાની રિક્ષા લઈને નાસી જતો જોવા મળ્યો હતો જેથી મહેડાવ પોલીસે પ્રફુલભાઈ પરમારની ફરિયાદના આધારે અજાણ્યા રિક્ષા ચાલક વિરુદ્ધ અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.