– મહારાજા કૃષ્ણકુમારસિંહજી ગોહિલે ભારતની એકતા અને અખંડતા માટે મોટું યોગદાન આપ્યું
– ભાવેણાંએ વટ પાડી દીધો, સભા મંડપ બહાર સુધી ઉમટેલી માનવ સમુદ્રથી પીએમ ગદગદીત
ભાવનગર : દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાવનગરની ભવ્ય મહેમાનગતિ માણી હતી. જવાહર મેદાનમાં સભા મંડપ બહાર સુધી ઉમટેલી જનમેદનીને માનવ સમુદ્ર સાથે સરખાવી પીએમ ગદગદીત થયા હતા અને ‘આપણાં ભાવેણાં, ભાવનગરે તો વટ પાડી દીધો હો..’, ‘હા, હવે કરંટ આવ્યો’નો ભાવ વ્યક્ત કરતા જનમેદનીએ તાળીઓના ગડગડાટ અને મોદી, મોદીના નારા સાથે સભા સ્થળ ગજવ્યું હતું.
સમુદ્ર સે સમૃદ્ધિ કાર્યક્રમ સંપૂર્ણ ભારતવર્ષનો છે, પણ આજે ભાવનગર તેનું નિમિત બન્યું છે. દેશમાં સમુદ્રથી સમૃદ્ધિ તરફ જવા માટે આપણી દિશા શું છે ? તેના કેન્દ્ર તરીકે ભાવનગરને પસંદ કરાયું હોય, ગુજરાત અને ભાવનગરના લોકોને અભિનંદન પાઠવ્યા હતા.
પ્રધાનમંત્રીએ ભાવનગરના પ્રજાવત્સલ નેકનામદાર કૃષ્ણકુમારસિંહ ગોહિલનું પુણ્ય સ્મરણ કરી તેમણે ભારતની એકતા અને અખંડતા માટે આપેલા મોટા યોગદાનને યાદ કર્યું હતું. આ સાથે જ કૃષ્ણકુમારસિંહજી જેવા મહાન દેશભક્તોની પ્રેરણાથી ભારત મજબૂત બન્યું છે.
કાર્યક્રમના અંતિમ ચરણમાં પ્રધાનમંત્રીએ ઓપરેશન સિંદૂર સમયે ભાવનગર મેદાનમાં હતું, ભાવેણાંવાસીઓના મિજાજ માટે અહોભાવ સાથે આભાર વ્યક્ત કર્યો હતો. છેલ્લે ભાવનગરના બહેનો-ભાઈઓને નવરાત્રિની માંડવીઓમાં આત્મનિર્ભર ભારતનો સંદેશ આપવા આહવાન કર્યું હતું.
ભાવનગરના ભાઈઓ મને માફ કરજો…
ત્રણ વર્ષમાં પાંચમી વખત ભાવનગરની મુલાકાતે પહોંચેલા પ્રધાનમંત્રીએ સભામાં જાહેર મંચ પરથી માફી માંગી હતી. તેમણે ભાવનગરના ભાઈઓ મને માફ કરજો, મારે હિન્દીમાં બોલવું પડે છે. દેશભરના લાખો લોકો આ કાર્યક્રમમાં જોડાયેલા છે. આપની ક્ષમા માંગીને મારે હિન્દીમાં જ વાત કરવી રહી તેમ કહીં સભા સંબોધનને આગળ ધપાવતા સભા સ્થળે હાસ્ય રેલાયું હતું.
જીએસટી સ્લેબમાં ઘટાડાના પગલે બજારમાં રોનક આવશે
તાજેતરમાં જ કેન્દ્ર સરકાર દ્વારા જી.એસ.ટી. સ્લેબમાં કરેલા ઘટાડાને કારણે આગામી દિવાળીમાં બજાર રોનક વધવાની છે તેમ ભાવનગર ખાતેની જાહેરસભામાં વડાપ્રધાને જણાવ્યુ હતું. આ દરમિયાન તેઓએ નવરાત્રીના આવી રહેલા પાવન પર્વ પ્રસંગે સૌ નાગરિકોને શુભકામનાઓ પાઠવી હતી.
વેપારીઓને દુકાન પર ગર્વથી કહો, સ્વદેશી છે બોર્ડ લગાવવા જણાવ્યું
સમગ્ર દેશવાસીઓએ એક ભારત શ્રે ભારતના ધ્યેય સાથે કાર્ય કરવું પડશે. ગુજરાતના વેપારીઓ પણ તેમની દુકાન પર ગર્વથી કહો, આ સ્વદેશી છે ના બોર્ડ લગાવી આત્મનિર્ભર ભારતની આહલેખને વધુ મજબૂત બનાવવા ભાવનગર ખાતેની જાહેરસભામાં વડાપ્રધાન જણાવ્યુ હતું.
3 દિવસમાં 1 લાખ લોકોએ રક્તદાન કર્યું
વિશ્વકર્મા જયંતીથી ગાંધી જયંતી સુધી તા.૧૭-૯ થી ૦૨-૧૦ સુધી સમગ્ર દેશમાં સેવા પખવાડિયું મનાવવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં બે-ત્રણ દિવસમાં રક્તદાન કેમ્પ, આરોગ્ય કેમ્પ, સ્વચ્છતા અભિયાન સહિતના કાર્યક્રમો થયાં છે. અત્યાર સુધીમાં ૧ લાખ લોકો રક્તદાન કરી ચુક્યા છે. અનેક શહેરોમાં સફાઈ અભિયાન થયું. ૩૦ હજારથી વધારે સ્થળોએ આરોગ્ય કેમ્પ થયાં જેમાં ખાસ કરીને મહિલાઓના સ્વાસ્થ્યને કેન્દ્રમાં રખાયું છે.
જાહેર સભાની સાથે સાથે…
* એરપોર્ટ પર પ્રધાનમંત્રીનું મુખ્યમંત્રીએ વેલકમ કર્યુ
* મહિલા કોલેજથી રોડ શોનો પ્રારંભ
* દરમિયાન વિવિધ સમાજ, જ્ઞાાતિ, સંસ્થા દ્વારા ઠેરઠેર પુષ્પવર્ષાથી સ્વાગત
* જવાહર મેદાનમાં મેરીટાઈમ એકઝીબીશનની મુલાકાત લીધી
** જાહેરસભાના પ્રારંભે માયાભાઈ આહિર અને સાથી કલાકારોની લોકસાહિત્ય અને લોકગીતોની રઝમટ
* સભામાં વડાપ્રધાનના આગમનને વાર હોય લોકસાહિત્યનો કાર્યક્રમ ટુંકાવાતા ગણગણાટ વ્યાપ્યો
* શ્રોતાજનો દ્વારા હું છુ ભાવનગર(ભારત), હર ઘર સ્વદેશી, ઓપરેશન સિંદુરના પ્લેકાર્ડ પ્રદર્શિત કરાયા
* એક ડોમમાં બેઠેલા એક સરખા કલરવાળા સાફાધારી બહેનોએ આકર્ષણ જમાવ્યુ
* વડાપ્રધાનને મીની જહાજ, વહાણની કલાકૃતિની સ્મૃતિભેટ અપાઈ
* અલગ અલગ ડોમમાં સિલ્વર અને ગોલ્ડ નામક પાસધારકો માટે વ્યવસ્થા
* ડોમમાં બંને સાઈડ નાગરીકો માટે ખાસ વિશાળકાય સ્ક્રિનની વ્યવસ્થા કરાઈ
* વિવિધ શૈક્ષણિક અને સામાજિક સંસ્થાઓ, એન.એસ.એસ.,એન.સી.સી. સમાન યુનિફોર્મમાં જોવા મળ્યા
* યુવાનોએ ચાલુ કાર્યક્રમે સ્મૃતિરૂપે સેલ્ફી ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફી લીધી
* સભાગૃહમાં ગરમીની અસર ટાળવા પંખા, કુલરની સાથે સ્પ્રિંકલરની ખાસ વ્યવસ્થા કરાઈ
* સ્થાનિકો અને બહારગામના લોકો માટે વાહનના પાર્કિંગની વ્યવસ્થા દૂર દૂર રખાતા કચવાટ
*અન્ય જિલ્લાઓમાંથી આવનારાઓને સભાગૃહથી દૂર ઉતારાતા પરત જવા લોકોનો રઝળપાટ
* રોડ શો અને જાહેર સભા બાદ જાહેર માર્ગો પર ચોતરફ માનવ મહેરામણ