વિશ્વબજારમાં સોયાબીન તથા સોયાતેલના ભાવમાં ઝડપી ઘટાડો
મુંબઈ : મુંબઈ તેલિ-બિયાં બજારમાં આજે વિવિધ ખાદ્યતેલોના ભાવ બેતરફી સાંકડી વધઘટ વચ્ચે ફરતા રહ્યા હતા. નવા વેપાર ધીમા હતા. દિવેલના હાજર ભાવ ૧૦ કિલોદીઠ રૂ.૨ ઘટતાં હાજર એરંડાના ભાવ કિવ.ના રૂ.૧૦ નરમ રહ્યા હતા. મુંબઈ ખોળ બજારમાં એરંડા ખોળના ભાવ ટનના રૂ.૫૦ નરમ હતા જ્યારે સિંગખોળના ભાવ ટનના રૂ.૫૦૦ ઘટયા હતા.
દરમિયાન, ભારતના સિંગદાણા પર ઈન્ડોનેશિયાનો આયાત પ્રતિબંધ ચાલુ રહ્યાના વાવડ હતા. આ પ્રશ્ને ભારત સરકારે ઈન્ડોનેશિયા સાથે વાતચીત શરૂ કરી છે. અમુક કિસ્સાઓમાં તો ભારતથી સિંગદાણા ઈન્ડોનેશિયા તરફ નિકાસ થયા પછી ત્રણ મહિના પછી ઈન્ડોનેશિયાએ ગુણવત્તા બાબત ઈસ્યુ ઉભા કર્યાના સમાચાર હતા.
ભારતમાં મગફળીનું વાવેતર આ વર્ષે ખરીફ મોસમમાં આશરે ૪૮ લાખ હેકટર્સમાં થયું છે તથા ટેકાના ભાવ કરતા બજાર ભાવ નોંધપાત્ર નીચા રહ્યા છે. ટેકાના ભાવ કિવ.ના રૂ.૭૨૬૩ રહ્યા છે જ્યારે બજાર ભાવ રૂ.૫૬૮૨ રહ્યા છે! ભારતથી સિંગદાણાની જે કુલ નિકાસ થાય છે એ પૈકી આશરે ૩૫ ટકા નિકાસ ઈન્ડોનેશિયા તરફ થાય છે.
ગયા વર્ષે ભારતથી આવી કુલ નિકાસ ૭૯૫ મિલીયન ડોલરની થઈ હતી એ પૈકી ઈન્ડોનેશિયા તરફ આવી નિકાસ ૨૮૦ મિલીયન ડોલરની થઈ હોવાનું બજારના જાણકારોએ જણાવ્યું હતું.
સૌરાષ્ટ્રમાં ગોંડલ ખાતે સિંગતેલના ભાવ ઘટી રૂ.૧૩૦૦ રહ્યા હતા જ્યારે ત્યાં કોટન વોશ્ડના ભાવ રૂ.૧૨૫૦ રહ્યા હતા. સૌરાષ્ટ્રના બજારો દબાણ હેઠળ રહ્યા હતા. ત્યાં કોટન રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૯૦ રહ્યા હતા. કંડલા ખાતે પામોલીનના રૂ.૧૨૫૦ તથા સોયાતેલ રિફાઈન્ડના ભાવ રૂ.૧૨૫૦ રહ્યા હતા. મધ્ય પ્રદેશમાં સોયાતેલ રિફાઈન્ડના ભાવ જાતવાર રૂ.૧૨૪૦થી ૧૨૬૦ રહ્યા હતા.
દરમિયાન, અમેરિકાના કૃષીબજારોમાં ઓવરનાઈટ ટ્રેડમાં સોયાતેલના ભાવ ૫૪ પોઈન્ટ તૂટયા હતા જ્યારે સોયાબીનના ભાવ ૧૨૦ પોઈન્ટ ગબડયા હતા. સામે ત્યાં સોયાખોળના ભાવ એકંદરે શાંત રહ્યા હતા.
દરમિયાન, મુંદ્રા ખાતે સોયાતેલના ભાવ સપ્ટેમ્બર તથા ઓક્ટોબરના રૂ.૧૨૪૫ તથા નવેમ્બરના ભાવ રૂ.૧૨૫૦ રહ્યા હતા જ્યારે હઝીરા ખાતે ભાવ સપ્ટેમ્બર તથા ઓક્ટોબરના રૂ.૧૨૫૫ તથા નવેમ્બરના રૂ.૧૨૬૦ રહ્યાના નિર્દેશો હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચેથી ઘટતાં વૈશ્વિક ખાદ્યતેલોના ભાવ દબાણ હેઠળ રહ્યાના સમાચાર મળ્યા હતા.