![]()
જીએસટી ફેક્ટર ડિસ્કાઉન્ટ : જીઓપોલિટીકલ ટેન્શન વધતાં સાવચેતી
મુંબઈ : ડેરિવેટીવ્ઝમાં નિફટી વિક્લી એક્સપાયરીના આજે બજારમાં ઈન્ડેક્સ બેઝડ વોલેટીલિટી જોવાઈ હતી. જીએસટી દરોમાં ઘટાડાનો અમલ થઈ જતાં અને ઘણા ઉદ્યોગો સાથે ગ્રાહકોને ફાયદો કરાવી આપનારા મોદી સરકારના આ સરાહનીય પગલાંને લઈ તહેવારોની મોસમમાં વેચાણ વૃદ્વિની અપેક્ષા છતાં વૈશ્વિક પરિબળો અત્યારે ચિંતાજનક રહેતાં શેરોમાં નવી મોટી ખરીદીમાં ફંડો, ખેલંદાઓ સાવચેત રહી ઉછાળે વેચવાલ રહ્યા હતા. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ એક પછી એક આંચકા આપનારા નિર્ણયો લઈને વિશ્વની ચિંતા વધારી રહ્યા હતા, એવામાં હવે પેલેસ્ટાઈનને માન્યતા નહીં આપનારા ઈટાલીમાં આંતરિક હિંસા-દેખાવોની સ્થિતિને લઈ જીઓપોલિટીકલ ટેન્શને પણ વૈશ્વિક બજારોમાં સાવચેતી રહી હતી. ઘર આંગણે ફંડોની એફએમસીજી, આઈટી, હેલ્થકેર, કન્ઝયુમર ડયુરેબલ્સ, કેપિટલ ગુડઝ શેરોમાં વેચવાલી સામે પસંદગીના બેંકિંગ-ફાઈનાન્સ શેરો તેમ જ મેટલ-માઈનીંગ, ઓટોમોબાઈલ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૮૨૩૭૧થી ૮૧૭૭૬ વચ્ચે અથડાઈ અંતે ૫૭.૮૭ પોઈન્ટ ઘટીને ૮૨૧૦૨.૧૦ બંધ રહ્યો હતો. નિફટી ૫૦ સ્પોટ ઈન્ડેક્સ ૨૫૨૬૨થી ૨૫૦૮૪ વચ્ચે અથડાઈ અંતે ૩૨.૮૫ પોઈન્ટ ઘટીને ૨૫૧૬૯.૫૦ બંધ રહ્યો હતો.
બેંકેક્સ ૪૩૦ પોઈન્ટ ઉછળ્યો : ઈન્ડસઈન્ડ બેંક, એક્સિસ બેંક, ટાટા ઈન્વે., જીઓજીત, રેલીગેર વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ ફરી ઘટાડે વેલ્યુબાઈંગ કરતાં અને શોર્ટ કવરિંગે ઝડપી રિકવરી જોવાઈ હતી. ઈન્ડસઈન્ડ બેંક મેનેજમેન્ટમાં નવી નિમણૂક થયાના આકર્ષણે શેર રૂ.૨૧.૨૫ વધીને રૂ.૭૫૫.૨૫ રહ્યો હતો. એક્સિસ બેંક રૂ.૨૬.૫૫ વધીને રૂ.૧૧૭૦.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૫.૪૫ વધીને રૂ.૮૭૦.૫૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૨૬.૫૦ વધીને રૂ.૨૦૪૭.૮૫ રહ્યા હતા. ટાટા ઈન્વેસ્ટમેન્ટ રૂ.૮૬૫.૧૫ વધીને રૂ.૮૧૪૪.૬૦, રાણે હોલ્ડિંગ રૂ.૭૨.૮૫ વધીને રૂ.૧૫૮૨, એયુ સ્મોલ બેંક રૂ.૨૫.૫૫ વધીને રૂ.૭૩૧.૭૦, પૈસાલો રૂ.૧.૬૧ વધીને રૂ.૪૦.૧૩ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૨૯.૯૪ પોઈન્ટ વધીને ૬૨૬૨૫.૩૪ બંધ રહ્યો હતો.
ઓટો શેરોમાં તહેવારોની ચમક મારૂતી રૂ.૨૯૦, એમઆરએફ રૂ.૩૧૮૨ વધ્યા : અશોક, મહિન્દ્રા વધ્યા
જીએસટીમાં ઘટાડા સાથે તહેવારોની સીઝનને લઈ દશેરામાં વાહનોની ઘણા લોકો ખરીદી કરતાં હોઈ હવે ખરીદીની પૂછપરછ વધવાની અપેક્ષાએ ફંડોની ઓટોમોબાઈલ શેરોમાં તહેવારોની ચમક આવી હતી. અશોક લેલેન્ડ રૂ.૪.૭૫ વધીને રૂ.૧૪૪.૧૦, એમઆરએફ રૂ.૩૧૮૨.૫૦ વધીને રૂ.૧,૫૫,૯૬૮, મધરસન સુમી રૂ.૨.૧૬ વધીને રૂ.૧૧૨.૦૯, મારૂતી સુઝુકી રૂ.૨૮૯.૬૦ વધીને રૂ.૧૬,૦૯૭.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૩૧.૯૫ વધીને રૂ.૩૬૧૫.૫૫, ટાટા મોટર્સ દ્વારા સાઈબર હુમલાને લઈ જેગુઆર લેન્ડરોવરનું ઉત્પાદન હજુ શરૂ કરતાં સમય લાગવાના અહેવાલ છતાં શેર રૂ.૫.૪૦ વધીને રૂ.૭૦૧.૫૦, આઈશર મોટર્સ રૂ.૪૩.૪૦ વધીને રૂ.૬૯૮૮.૫૦ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૩૭૧.૭૧ પોઈન્ટ વધીને ૬૧૦૨૮.૩૮ બંધ રહ્યો હતો.
સોના-ચાંદીના નવા રેકોર્ડ સર્જતા ભાવોએ મેટલ શેરોમાં વધતો ચળકાટ : જિન્દાલ, જેએસડબલ્યુ વધ્યા
મેટલ-માઈનીંગ શેરોમાં પણ ફંડોનું વેલ્યુબાઈંગ વધતાં ચળકાટ વધ્યો હતો. કિંમતી ધાતુઓ ચાંદી અને સોનાના સતત નવા રેકોર્ડ સર્જતા ભાવોને લઈ તેજીનો ચળકાટ વધ્યો હતો. જિન્દાલ સ્ટીલ રૂ.૨૯.૬૫ વધીને રૂ.૧૦૬૨.૨૫, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૧૧૩૮.૮૦, અદાણી એન્ટરપ્રાઈસીઝ રૂ.૪૪.૦૫ વધીને રૂ.૨૬૭૪, જિન્દાલ સ્ટેનલેસ રૂ.૧૨.૬૦ વધીને રૂ.૮૦૧, એનએમડીસી રૂ.૧.૧૪ વધીને રૂ.૭૮.૧૦, હિન્દુસ્તાન ઝિંક રૂ.૨.૪૦ વધીને રૂ.૪૬૧.૬૦ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૩૨૧.૪૦ પોઈન્ટ વધીને ૩૩૫૭૯.૦૮ બંધ રહ્યો હતો.
એચ-૧બી વીઝા ફીને લઈ આઈટી શેરોમાં સતત સેલિંગ : હેક્ઝાવેર, ઈન્નોવાના, એક્સપ્લિઓ, માસ્ટેક ઘટયા
અમેરિકાએ એચ-૧બી વીઝા ફી વન ટાઈમ એક લાખ ડોલર લાગુ કરતાં અમેરિકામાં આઈટી પ્રોફેશનલો માટે રોજગારીની તકો ઘટવાની અને ભારતીય આઈટી ઉદ્યોગને અસર થવાના અંદાજોએ આજે સતત બીજા દિવસે આઈટી શેરોમાં વેચવાલી રહી હતી. હેક્ઝાવેર ટેકનોલોજી સતત સેલિંગે રૂ.૩૬.૬૫ તૂટીને રૂ.૬૮૯.૯૦, કોફોર્જ રૂ.૪૮.૪૫ ઘટીને રૂ.૧૬૬૮.૧૦, માસ્ટેક રૂ.૫૬.૩૦ ઘટીને રૂ.૨૨૯૧.૯૦, જેનેસીસ રૂ.૮.૬૦ ઘટીને રૂ.૫૩૫.૮૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૨૧૮.૮૨ પોઈન્ટ ઘટીને ૩૪૭૬૯.૩૮ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં ટ્રમ્પના પેરાસીટામોલ મામલે નિવેદને નેગેટીવ અસર : આરતી ફાર્મા, સુવેન, મોરપેન ઘટયા
આઈટી ઉદ્યોગ બાદ હવે ટ્રમ્પનું નિશાન ભારતીય ફાર્મા-હેલ્થકેર ઉદ્યોગ બનવાની ધારણા વચ્ચે ટ્રમ્પે ઓટીઝમ માટે પ્રેગનન્ટ મહિલાઓ દ્વારા પેરાસીટામોલ લેવી જોખમી હોવાનું નિવેદન કરતાં હેલ્થકેર-ફાર્મા શેરોમાં અપેક્ષિત વેચવાલી નીકળી હતી. આરતી ફાર્મા રૂ.૨૮.૨૦ ઘટીને રૂ.૮૭૨.૩૫, ઓર્ચિડ ફાર્મા રૂ.૧૨.૬૫ ઘટીને રૂ.૭૫૪.૦૫, વિમતા લેબ્સ રૂ.૧૪.૬૫ ઘટીને રૂ.૭૪૯.૬૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૯૫.૯૩ પોઈન્ટ ઘટીને ૪૪૫૭૩.૫૯ બંધ રહ્યો હતો.
એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ : એલટી ફૂડ્સ રૂ.૨૬ તૂટી રૂ.૪૩૦ : ઝાયડસ, કેઆરબીએલ ઘટયા
જીએસટી દરોમાં ઘટાડાના પોઝિટીવ પરિબળ છતાં ચોમાસાની સારી પ્રગતિ બાદ અતિવૃષ્ટિની સ્થિતિને લઈ કૃષિ પાક ઓછો આવવાની શકયતાએ એફએમસીજી ચીજોના ભાવો પણ વધવાની ધારણા વચ્ચે આજે એફએમસીજી શેરોમાં ફરી પ્રોફિટ બુકિંગ કરી ફંડો સાવેચત બન્યા હતા. એલટી ફૂડ્સ રૂ.૨૬.૨૦ ઘટીને રૂ.૪૨૯.૯૦, ઝાયડસ વેલનેસ રૂ.૨૩.૭૦ ઘટીને રૂ.૪૭૩.૯૫, કેઆરબીએલ રૂ.૧૮.૨૫ ઘટીને રૂ.૩૭૧.૮૫, અદાણી વિલમર રૂ.૧૧.૩૫ ઘટીને રૂ.૨૫૯.૯૫, ગોદરેજ કન્ઝયુમર રૂ.૪૦.૮૫ ઘટીને રૂ.૧૧૯૧.૫૦, બ્રિટાનીયા રૂ.૧૧૮.૨૦ ઘટીને રૂ.૫૯૩૪.૬૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૫૦ ઘટીને રૂ.૨૫૨૧.૫૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૬૪.૩૧ પોઈન્ટ ઘટીને ૨૦૩૭૬.૪૬ બંધ રહ્યો હતો.
FPIs/FIIની રૂ.૩૫૫૧ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૬૭૧ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે-મંગળવારે કેશમાં રૂ.૩૫૫૧.૧૯ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૨૨૨,૩૦ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૫,૭૭૩.૪૯ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો-ડીઆઈઆઈની રૂ.૨૬૭૦.૮૭ કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી.
સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફંડો, ખેલંદાઓની સતત થતી વેચવાલી : ૨૪૫૩ શેરો નેગેટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ વોલેટીલિટીના અંતે નરમાઈ સાથે આજે સ્મોલ,મિડ કેપ, રોકડાના ઘણા શેરોમાં ખેલંદાઓ, ફંડોની સતત વેચવાલી રહેતાં માર્કેટબ્રેડથ નેગેટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૨૦ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૭૦૯ અને ઘટનારની સંખ્યા ૨૪૫૩ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૧.૪૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૩.૫૯ લાખ કરોડ
સેન્સેક્સ, નિફટીમાં નરમાઈ સાથે સ્મોલ, મિડ કેપ શેરોમાં સતત વેચવાલી રહેતાં રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૧.૪૭ લાખ કરોડ ઘટીને રૂ.૪૬૩.૫૯ લાખ કરોડ રહ્યું હતું.










