– બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટનો ચુકાદો
– ભોગ બનનારને 5 લાખનું વળતર ચૂકવવા કોર્ટે હુકમ કર્યો
બોટાદ : બોટાદ જિલ્લામાં સગીરા ઉપર દુષ્કર્મ ગુજારવા અને એટ્રોસિટી એક્ટના ગુનામાં શખ્સને સખત કેદની સજાનો કોર્ટે હુકમ કર્યો છે.
બોટાદ જિલ્લામાં એક ખેતમજૂર પરિવારની સગીરવયની દીકરીને રાજેશ ઉર્ફે રાજુ અરજણભાઈ ચૌહાણ નામના શખ્સે વાડીની ઓરડીમાં લઈ જઈ ધમકી આપી તેણી સાથે બળાત્કાર ગુજાર્યો હતો. જે બનાવ અંગે ભોગબનનારની માતાએ શખ્સ સામે ગુનો દાખલ કરાવતા પોલીસે આઈપીસી ૩૭૬, ૫૦૬ (ર), પોક્સો એક્ટની કલમ ૪, ૮, ૧૨ અને એટ્રોસિટી એક્ટની કલમ ૩ (૧) ડબ્લ્યુ, ૩ (ર) (પ) મુજબ ગુનો નોંધી શખ્સની ધરપકડ કરી હતી. તપાસના અંતે પોલીસે સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા આ કેસની સુનવણી બોટાદના એડીશનલ ડિસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ જજની કોર્ટમાં ચાલી હતી. જેમાં સરકારી વકીલ કે.એમ. મકવાણાની અસરકારક દલીલો, ૨૦ સાક્ષીની તપાસ, ૫૯ દસ્તાવેજી પુરાવા વગેરેને ગ્રાહ્ય રાખી ન્યાયધિશ જે.કે. પ્રજાપતિએ આરોપી રાજેશ ઉર્ફે રાજુ ચૌહાણને આઈપીસી ૩૭૬ના ગુનામાં ૧૦ વર્ષ સખત કેદ, પોક્સો એક્ટની કલમ ૪ મુજબના ગુનામાં ૧૦ વર્ષ સખત કેદ અને એટ્રોસિટી એક્ટની કલમ (૩) (૧) ડબ્લ્યુ હેઠળ એક વર્ષ સખત કેદની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. ગુજરાત પીડિત વળતર યોજના-૨૦૧૯ હેઠળ ભોગબનનારને પાંચ લાખનું વળતર આપવા કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં વિથ પ્રોસિક્યુશન એડવોકેટ તરીકે એસ.ડી. રાઠોડ અને પી.કે. રાઠોડ રોકાયેલા હતા.