Rajkot News: રાજકોટમાં ખોડલધામ નોર્થ ઝોન ગરબા મહોત્સવમાં આઠમાં નોરતે (29મી સપ્ટેમ્બર) મારામારીની ઘટના બની હતી. ગરબાના આયોજનમાં VIP સીટિંગ પર બેઠેલા એક શખસને અન્ય VVIP મહેમાનો આવતા હોવાથી બીજી જગ્યાએ બેસવાનું કહેવાતાં ભારે બોલાચાલી થઈ હતી. જે બાદ આ શખસે કાર્યકરો પર છરી વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં ગરબાના ત્રણ કાર્યકર્તાઓ ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
શું હતી ઘટના?
મળતી માહિતી અનુસાર, રાજકોટના પલસાણા ચોક રિંગ રોડ નજીક ખોડલધામ દ્વારા આયોજિત રાસ-ગરબામાં એક કપલ VIP પાસ લઈને બેઠું હતું. આ દરમિયાન કાર્યકર્તાઓએ તેમને VVIP મહેમાનોના આગમનને કારણે વિનંતી સાથે બીજા સોફા પર બેસવા જવાનું કહેતાં મામલો બિચક્યો હતો. આ બાબતે બોલાચાલી થતાં કાર્યકર્તાઓ તે શખસને ગરબા સ્થળની બહાર લઈ ગયા હતા. જોકે, ત્યાં તે શખસે છરી કાઢી અને કાર્યકર્તાઓ પર હુમલો કર્યો હતો.
આ હુમલામાં હરિ સોરઠીયા, મૌલિક પરસાણા અને અશોક ફળદુને છાતી, કાન અને હાથ સહિતાના ભાગો પર ઈજાઓ પહોંચી હતી. તમામને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. પોલીસ હાલ તેમની ફરિયાદ લેવાની કાર્યવાહી કરી રહી છે. હુમલો કરનાર શખસની ઓળખ મહેકગિરી ગોસ્વામી તરીકે થઈ છે. મારામારી દરમિયાન તેને પણ સામાન્ય ઈજાઓ પહોંચી હોવાથી પોલીસ દ્વારા તેને સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, પરંતુ તે પોલીસ હસ્તક છે.
આ પણ વાંચો: મન મોર બની થનગાટ કરે… મેઘરાજા પણ સુરતી ખેલૈયાઓને રોકી ન શક્યા, ચાલુ વરસાદમાં ગરબાની રમઝટ
આ મામલે ACP બી. જે. ચૌધરીએ જણાવ્યું હતું કે, ‘ખોડલધામના રાસ-ગરબાના સ્થળે મારામારીનો બનાવ બન્યો છે. VVIP ગેસ્ટ આવવાના હોવાથી પાસ ધરાવતા કપલને વિનંતીપૂર્વક જગ્યા બદલવાનું કહેવાતાં બોલાચાલી થઈ અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિ સારવાર હેઠળ છે અને હુમલો કરનાર શખસને પણ ઈજા પહોંચતા સારવારમાં છે.