Bharuch Police : ભરૂચની મિપ્કો ચોકડી પાસે ઓવરટેક મુદ્દે કાર ચાલક અને બે મહિલાની ત્રિપુટીએ એસટી બસના ડ્રાઇવર તથા કંડકટરને માર મારી ફરાર થઈ જતા ફરિયાદના આધારે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરવાહડફ તાલુકાના રામપુર ગામ ખાતે રહેતા કમલેશભાઈ પટેલ ગોધરા બસ ડેપો ખાતે ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તેમની સાથે બસ કંડકટર તરીકે સંજયકુમાર પ્રજાપતિ રહે છે. ગઈકાલે તેઓ ગોધરા એસટી ડેપોની બસ લઇ નાસિકથી ગોધરા જવા નીકળ્યા હતા. કમલેશભાઈનું ફરિયાદમાં કહેવું હતું કે, સાંજના સુમારે ભરૂચ એબીસી ચોકડીથી નર્મદા ચોકડી તરફના માર્ગ ઉપર આવેલ મિપ્કો ચોકડી પાસે એક કારે મારી બસને રોંગ સાઈડથી ઓવરટેક કરી કારને બસની આગળ ઉભી રાખી દીધી હતી. અને કાર ચાલકે મને “તને હોર્ન મારું છું કેમ સાઇડ આપતો નથી” તેમ કહી ગાળો આપી મને માર માર્યો હતો. કંડકટર સંજયકુમાર કારચાલકને સમજાવવા માટે જતા કાર ચાલકે તેની સાથે પણ જપાજપી કરી ગાળો આપી હતી. કારચાલકનું ઉપરાણું લઈ તેની સાથે રહેલ બે મહિલાઓએ પણ કંડકટર સાથે મારામારી કરી ગાળો આપી હતી. કમલેશભાઈની ફરિયાદના આધારે પોલીસે કારચાલક અને બે મહિલાઓ વિરુદ્ધ લોકસેવકોને માર મારી ફરજમાં રૂકાવટ ઊભી કરવા બદલ તથા ધાકધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.