Railway Employees Bonus: રેલવે કર્મચારીઓ માટે દિવાળી બોનસના પ્રસ્તાવને સરકાર મંજૂરી આપી શકે છે. કેન્દ્રીય મંત્રીમંડળની યોજાનારી આગામી બેઠકમાં આ પ્રસ્તાવને મંજૂરી મળવાનું સરકારી સુત્રોએ જણાવ્યું છે. દિવાળી અને તહેવારની સીઝનને ધ્યાનમાં લેતાં મંત્રીમંડળ આ મામલે ઝડપથી ખુશખબર આપી શકે છે. જેમાં ઉત્પાદકતા આધારિત બોનસને મંજૂરી મળશે. આ બોનસ મુખ્યત્વે નોન-ગેજેટેડ રેલવે કર્મચારીઓને તેમના યોગદાન અને ભારતીય રેલવેની દક્ષતા તથા પર્ફોર્મન્સમાં સુધારા માટે આપવામાં આવે છે. ગતવર્ષે આશરે 11 લાખ કર્મચારીઓને બોનસ મળ્યું હતું. જેનાથી કર્મચારીઓનું મનોબળ વધ્યું હતું.
આ બોનસથી સ્થાનિક વપરાશને વેગ મળશે
મીડિયા રિપોર્ટ અનુસાર, આગામી બેઠકમાં બોનસની જાહેરાત નિશ્ચિત છે. રેલવે કર્મચારીઓને બોનસની ચૂકવણી ઘરેલુ ખર્ચ કરવા પ્રોત્સાહન આપશે. આ તહેવારોની સીઝનમાં એક તો જીએસટી ઘટાડાનો લાભ તેમજ બોનસની લ્હાણીના કારણે સ્થાનિક વપરાશ વધવાની અપેક્ષા છે.