વડોદરા, તા.24 ટ્રેનના એસી કોચમાં પૈસા લઇ પ્રવાસીઓને સીટ આપતા બોગસ ટિકિટ ચેકરને રેલવે પ્રવાસીઓએ જ ઝડપી પાડી તંત્રને સોંપતા પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અને રેલવેમાં ચીફ ટિકિટ ઇન્સ્પેક્ટર તરીકે ફરજ બજાવતા ગુરુચરણસીંગ શ્યામસીંગ ગવારીયાએ રેલવે પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તા.૨૨ના રોજ રાત્રે દાદર-અજમેર એક્સપ્રેસ ટ્રેનના એસી કોચમાં દાદર રેલવે સ્ટેશનથી અમદાવાદ સુધી મારી ફરજ હતી. રાત્રે સવા નવ વાગે વડોદરા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર-૪ પર ટ્રેન આવીને ઊભી રહી હતી.
દરમિયાન કોચ એ-૨માં પ્રવાસીઓની ટિકિટ ચેક કરતો હતો ત્યારે બેસેલા ત્રણ પેસેન્જરો પાસે ટિકિટ માંગતા તેમણે સફેદ શર્ટ, કાળુ પેન્ટ પહેરેલ એક ટિકિટ ચેકરે અમારી પાસેથી પૈસા લઇને કોચમાં ત્રણ સીટો આપી છે તેમ કહ્યું હતું. જેથી મેં નકલી ટીટી અંગે પૂછતા પેસેન્જરોએ દૂરથી પ્લેટફોર્મ પર જતા નકલી ટીટીને બતાવ્યો હતો. આ સાથે જ પેસેન્જરોએ દોડીને નકલી ટીટીને પકડી ટ્રેનમાં બેસાડી દીધા બાદ ટ્રેન ચાલુ થઇ ગઇ હતી.
મેં નકલી ટીટી પાસે આઇડી માંગતા તેની પાસે ન હતું તેમજ પોતાનું નામ મનિષકુમાર જયપ્રકાશ ગુપ્તા (રહે.ગસીયારી ટોલા, પ્રસાદગાર, જિલ્લો વારાણસી, ઉત્તર પ્રદેશ) જણાવ્યું હતું. ટ્રેન નડિયાદ રેલવે સ્ટેશન પર આવતા નકલી ટીટીને કાયદેસરની કાર્યવાહી કરવા સોંપી દીધો હતો.