– રજૂઆતો છતાં રૂટ નહીં બદલતા વિદ્યાર્થીઓમાં આક્રોશ
– નડિયાદના બદલે વસો થઈને લઈ જતા અડધા કલાકનો સમય અને 15 કિ.મી. અંતરમાં ઘટાડો
નડિયાદ : એસટી તંત્ર દ્વારા ખેડા એસટી ડેપોથી ચારૂસેટ કોલેજના વિદ્યાર્થીઓ માટે ચાંગાની બસ દોડાવવામાં આવી રહી છે. આ એસટી બસ નડિયાદ થઈને જતી હોવાથી વિદ્યાર્થીઓના સમય અને નાણાનો વ્યય થઈ રહ્યો છે. ત્યારે બસને વાયા નડિયાદના બદલે વસો થઈ દોડાવવા માંગણી ઉઠી છે.
ખેડા શહેર તેમજ આજુબાજુના ગામોમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ચારૂસેટ કોલેજ ચાંગા ખાતે અભ્યાસ માટે એસટી બસમાં અવરજવર કરે છે. ખેડાથી ચારૂસેટ ચાંગાની એસટી બસ વાયા નડિયાદ પીપલગ ચોકડી થઈને દોડાવવામાં આવી રહી છે. એસટી બસ નડિયાદના બદલે વાયા છઠ્ઠા માઈલથી વસો રામોલ થઈને ચાંગા દોડાવવામાં આવે તો અડધા કલાક જેટલા સમયનો ઘટાડો થાય છે. ખેડા ચાંગા વાયા નડિયાદના બદલે વાયા વસો થઈને દોડાવવામાં આવે તો ૧૫ કિલોમીટર જેટલો અંતરમાં ઘટાડો થવાની સાથે વિદ્યાર્થીઓના સમય અને નાણાની બચત થાય તેમ છે. આ અંગે અપડાઉન કરતા કોલેજના વિદ્યાર્થીઓએ એસટી તંત્ર સમક્ષ ખેડા ચાંગા ચારૂસેટની બસને વાયા નડિયાદના બદલે વસો થઈને દોડાવવા રજૂઆત કરવા છતાં રૂટમાં ફેરફાર નહીં કરતા વિદ્યાર્થીઓમાં આક્રોશ વ્યાપ્યો છે. આ બાબતે નડિયાદ એસટી ડિવિઝનના અધિકારીનો સંપર્ક કરતા ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.