Bharuch ATM Theft : ભરૂચ પાંચબત્તી રોડ પર આવેલ એસબીઆઈ બેંકનું એટીએમ મશીન હેક કરી અજાણ્યા ભેજાબાજો રૂ. 2.09 લાખની રોકડ મેળવી ફરાર થઈ જવા અંગે બેંક મેનેજરની ફરિયાદના આધારે ભરૂચ સીટી એ ડિવિઝન પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ગઈ તા.29 સપ્ટેમ્બરના રોજ ભરૂચ પાંચબત્તી સ્ટેશન રોડ પર આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના એટીએમ મશીનમાં બેંક ઓફિસર દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં સીડીએમ (કેશ ડિપોઝિટ મશીન) એટીએમ મશીનના બેલેન્સમાં રૂ.2.09 લાખની ઘટ જણાય આવી હતી. જેથી બેંકના કર્મચારીઓએ ટ્રાન્જેક્શનની ચકાસણી કરતા તારીખ 10થી 18 સપ્ટેમ્બર સુધીમાં થયેલ 22 ટ્રાન્જેક્શનમાં એટીએમ મશીનને પાવર કનેક્શન મળ્યું ન હોવાથી ટ્રાન્જેક્શન કઈ રીતે થયું તે જાણી શકાયું ન હતું. જેથી સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા શંકાસ્પદ વ્યક્તિઓ અલગ અલગ દિવસે એટીએમ કાર્ડ મશીનમાં નાખી એટીએમ મશીન લેન કેબલ સાથે છેડછાડ અથવા એટીએમ મશીન હેક કરતા નજરે ચડ્યા હતા. આ ફરિયાદના આધારે પોલીસે અજાણ્યા ભેજાબાજો વિરુદ્ધ છેતરપિંડી, આઇટી એક્ટ સહિતની ધારાઓ હેઠળ ગુનો નોંધી આરોપીઓની શોધખોળ શરૂ કરી હતી.