પ્રાચીન મંદિરમાં ચાંદીની આંગીમાં શ્રી યંત્ર સાથે પ્રસ્થાપિત બાલા બહુચરાજીનું દિવ્ય સ્વરૂપ
જૂનાગઢ, : જૂનાગઢમાં નવા નાગરવાડા વિસ્તારમાં 146 વર્ષ જૂનું બહુચરમાંનું મંદિર આવેલું છે. આ મંદિરે માં બહુચર બાળ સ્વરૂપે બિરાજમાન થયેલા નજરે પડે છે. જૂનાગઢના દિવાન અને નાગર સદગૃહસ્થે તેના ગુરૂજીની પ્રેરણાથી 1879માં મંદિર બંધાવ્યું હતું. ત્યારબાદ મંદિરનો બે વખત જિર્ણોધ્ધાર કરવામાં આવ્યો હતો. પ્રાચીન મંદિરમાં શ્રી યંત્ર સાથે ચાંદીની આંગીમાં પ્રસ્થાપિત કરાયેલ મૂળ બહુચરાજીના દિવ્ય સ્વરૂપે પ્રસ્થાપિત થયેલ છે.
જૂનાગઢ સ્ટેટના દિવાન અને નાગર સદગૃહસ્થ ગોકળજીભાઈ ઝાલાએ આનંદીબેન આચાર્યના કહેવાથી ઈ.સ. 1879માં મંદિર બંધાવ્યું હતું. અહિં પહેલા માતાજીની દેરી હતી અને મંદિરમાં માતાજીની કાગળની આંગી રાખી પ્રાચીન કાળમાં પૂજન કરવામાં આવતું હતું. પ્રથમ મંદિરનો જિર્ણોધ્ધાર 2 ડિસેમ્બર 1953માં નૌતમલાલ ગૌરીશંકર વ્યાસ (નિજાનંદ સ્વામિ, અમરેલી) દ્વારા કરાયો હતો. મુંબઈમાં માતાજીની ચાંદીની આંગી તૈયાર કરાવી મંદિરમાં પ્રસ્થાપિત કરવામાં આવી હતી. ત્યાર બાદ બીજો જિર્ણોધ્ધાર વ્યાસ પરિવાર દ્વારા 7 ડિસેમ્બર 1996માં કરવામાં આવ્યો હતો. બહુચર માતાજીના મંદિરે મુખ્ય બહુચરાજી માતાજીનું આબેહૂબ પ્રતિકૃતિનું શ્રી યંત્ર સાથે પ્રતિષ્ઠાન કરવામાં આવ્યું છે. હાલ મંદિરમાં સેવા પૂજા આચાર્ય મહેશભાઈ વ્યાસ દ્વારા કરવામાં આવી રહી છે. વર્ષની ચૈત્ર, અષાઢ, આસો સહિતની ચારેય નવરાત્રીમાં માતાજીની ચંડીપાઠ, ગરબા સહિતના કાર્યક્રમો દ્વારા આરાધના કરવામાં આવે છે. નવરાત્રી દરમ્યાન મંદિર પરિસરમાં ઢોલ નગારાના તાલે નાની બાળાઓ સાંજે રાસ ગરબા લે છે. મંદિરને રોશની શણગાર કરવામાં આવ્યો છે.