311 Year old Mahakali Temple in Surat: નવરાત્રિના આઠમના દિવસે કોટ વિસ્તારના સુરતીઓ અંબાજી રોડ પર આવેલા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા આતુર હોય છે. તેનું કારણ એ છે કે સમગ્ર વિશ્વમાં 18 ભુજાવાળી મહાકાળી માતાજીની પ્રતિમા અહીં બિરાજમાન છે અને તેના દર્શન વર્ષમાં ચાર વાર જ થાય છે. તેમાનો એક દિવસ એટલે આસો માસની નવરાત્રિની આઠમ છે. 311 વર્ષ જૂના એવા આ મંદિરમાં હાલ ચાલી રહેલા નવરાત્રિના તહેવાર દરમિયાન સુરતમાં માતાજીના પૌરાણિક મંદિર ભક્તોની આસ્થાનું પ્રતિક બની જાય છે. તેમાં પણ શહેરના કોટ વિસ્તારના અંબાજી રોડ પર 311 વર્ષ જૂના એવા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પ્રતિમા રૌદ્ર સ્વરૂપ માં જોવા મળે છે.
મંદિરની માહિતી આપતા પુજારી વિશાલ જોશીએ જણાવ્યું હતું કે ‘અમારી આ સાતમી પેઢી છે જે માતાજીની સેવા કરે છે, અમારા પરદાદા આત્મારામ ભટ્ટ માતાના ભક્ત હતા, તેમને માતાજી સ્વપ્નમાં આવ્યા હતા, જે સ્વરૂપે સપનામાં આવ્યા હતા તે સ્વરૂપની માતાજીની પ્રતિમા વિક્રમ સંવત 1771 એટલે કે આજથી 311 વર્ષ પહેલા બનાવી હતી.
અન્ય પુજારી અભિષેક જોશીએ જણાવ્યું હતું કે અહીં જે માતાજીની પ્રતિમા છે તે રૌદ્ર સ્વરૂપમાં છે. આધ્યાત્મક રીતે લીંબુને અમૃત ફળ ગણવામા આવે છે. માતાજીના રૌદ્ર સ્વરૂપ શાંત કરવા તથા માતાજીના આર્શીવાદ મેળવવા માટે ભક્તો લીંબુના હાર માતાજીને અર્પણ કરે છે.
વર્ષમાં ચાર જ વખત થાય છે 18 હાથના દર્શન
પુજારી ભાવિક જોશીએ જણાવ્યું હતું કે મોટાભાગની જગ્યાએ માતાજીના બે કે ચાર ભુજા હોય છે. પરંતુ અહીં જે પ્રતિમા છે, તેમાં માતાજીના 18 ભૂજા ( હાથ) છે. આવા પ્રકારની પ્રતિમા વિશ્વમાં એકમાત્ર આ મંદિરે જ છે. 18 હાથના દર્શન આખા વર્ષમાં ચાર જ વખત થાય છે. જેમાં ચૈત્રી નવરાત્રિની આઠમ, આસો નવરાત્રિ ની આઠમ મહાસુદ છઠના દિવસે માતાજીની સાલગીરી હોય તે દિવસ અને હિન્દુઓનું નવું વર્ષના દિવસે માતાજીના તમામ 18 ભુજાના દર્શન લોકો કરી શકે છે. આ દિવસમાં માતાજીનું સંપૂર્ણ સ્વરૂપના દર્શન થતાં હોવાથી ભક્તોની ભારે ભીડ જામે છે.
નવરાત્રિમાં માતાજીના મંદિરમાં ભક્તો ભજન કરે અને ગરબા કરે છે
સુરતના અંબાજી રોડ વિસ્તારમાં 300 વર્ષ કરતાં વધુ પૌરાણિક એવા મહાકાળી માતાજીના મંદિરમાં માતાજીની પ્રતિમાનું રૌદ્ર સ્વરૂપ છે. આ મંદિરમાં માતાજી સાથે સાથે ગૌતમ ગોત્રના શકટામ્બિકા માતાજીની પ્રતિમા છે. તેથી નવરાત્રિ દરમિયાન આ ગૌત્રના લોકો અહીં કાળકા માતા સાથે પોતાની કુળદેવી ના દર્શન કરવા માટે પણ મોટી સંખ્યામા આવે છે. આ ઉપરાંત કાળકા માતાજી ની પ્રતિમા છે તે નરસિંહ ભગવાન સાથે જોવા મળે છે આવી પ્રતિમા ભાગ્યે જ જોવા મળે છે