Gujarat Rain Update: સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર-SEOC ગાંધીનગરના અહેવાલ મુજબ આજે (29 સપ્ટેમ્બર)ના રોજ સવારે 6:00 કલાક સુધીમાં રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 115.10 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા, ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં 101.96 ટકા સરેરાશ વરસાદ વરસ્યો છે.
જાણો શું છે ડેમની સ્થિતિ
SEOCના અહેવાલ મુજબ સવારે 8:00 કલાક સુધીમાં રાજ્યમાં આવેલ નર્મદા ડેમ 97.32 ટકા તેમજ અન્ય 206 જળાશયો કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા જેટલા ભરાઈ ગયા છે. આમ, સમગ્ર રાજ્યમાં વરસાદના પગલે 146 ડેમ હાઇ એલર્ટ, 17 ડેમ એલર્ટ અને 14 ડેમ માટે વોર્નિંગ આપવામાં આવી છે.
આ પણ વાંચો: આગામી ત્રણ દિવસ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં રેડ એલર્ટ
રાજ્યના 232 તાલુકામાં વરસાદ
ગત 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં 33 જિલ્લાના 232 તાલુકાઓમાં હળવાથી ભારે વરસાદ વરસ્યો છે. જે અંતર્ગત છેલ્લાં 24 કલાક દરમિયાન રાજ્યમાં સૌથી વધુ ગીર સોમનાથના સુત્રાપાડા તાલુકામાં 8 ઇંચ વરસાદ વરસાદ તથા વલસાડના કપરાડા અને ઉમરગાવ, ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને જૂનાગઢના માંગરોળમાં 4-4 ઇંચ કરતાં વધુ વરસાદ નોંધાયો છે.
29 સપ્ટેમ્બરથી 02 ઓકટોબર સુધી દરિયો ન ખેડવા ચેતવણી
રાજ્યમાં ચોમાસાની ઋતુ દરમિયાન 01 જૂન, 2025 થી આજ દિન સુધીમાં વરસાદના પગલે વહીવટી તંત્ર દ્વારા 15,971 નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે, તેમજ 1,351 નગરિકોને રેસ્ક્યૂ કરવામાં આવ્યા છે. વધુમાં ભારતીય હવામાન વિભાગ દ્વારા ગુજરાતનાં દરિયા કિનારાના વિસ્તારોમાં માછીમારોને 29 સપ્ટેમ્બરથી 02 ઓકટોબર, 2025 સુધી દરિયો ન ખેડવા ચેતવણી પણ આપવામાં આવી છે.