જીએસટીમાં કપાતની જોવા મળેલી અસર
મુંબઈ : ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી) કપાતથી દેશના ઉપભોગતાઓ દ્વારા ખરીદીમાં જોરદાર વધારો થયાના સંકેત નવરાત્રીના પ્રથમ જ દિવસે એટલે કે ૨૨ સપ્ટેમ્બરના મળ્યા હતા. સોમવારે એક જ દિવસમાં ડિજિટલ વ્યવહારમાં દસ ગણો અભૂતપૂર્વ વધારો થયાનું જોવા મળ્યું છે.
રવિવાર ૨૧ સપ્ટેમ્બરના થયેલા રૂપિયા ૧.૧૮ લાખના ડિજિટલ પેમેન્ટસ સામે ૨૨ સપ્ટેમ્બરના સોમવારે ડિજિટલ પેમેન્ટસનો આંક રૂપિયા ૧૧.૩૧ લાખ કરોડ રહ્યાનું રિઝર્વ બેન્કના સુત્રોએ જણાવ્યું હતું.
મંગળવારે ૨૩ સપ્ટેમ્બરના પણ ડિજિટલ પેમેન્ટસનો આંક રૂપિયા ૧૧.૧૯ લાખ કરોડ રહ્યો હતો. નવરાત્રીના બાકીના દિવસો ઉપરાંત દિવાળીમાં પણ ડિજિટલ વ્યવહારમાં વધારો જોવા મળવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
જીએસટી દર માળખામાં કરાયેલા ફેરબદલને કારણે કાર, ટીવીથી લઈને અનેક પ્રકારની મોજશોખની ચીજવસ્તુઓની ખરીદીમાં આકર્ષણ વધ્યું છે.
વાહનો પરના જીએસટી દર ૨૮ ટકા પરથી ઘટાડી ૧૮ ટકા કરાતા ઓટો કંપનીઓને સૌથી વધુ લાભ જોવાઈ રહ્યો છે.
જીએસટીમાં ઘટાડા બાદ ઉપભોગતાની ખરીદીમાં થનારા વધારાને ધ્યાનમાં રાખી ઈ-કોમર્સ કંપનીઓ તથા બેન્ક સહિતના ધિરાણદારો ગ્રાહકોને આકર્ષવા વિવિધ સ્કીમ્સ પણ ઓફર કરી રહ્યા છે.
ઈ-કોમર્સ કંપનીઓ દ્વારા ફેસ્ટિવ સેલ પણ શરૂ કરવામાં આવ્યા છે તેને કારણે પણ ડિજિટલ વ્યવહારમાં જોરદાર વધારો જોવા મળી રહ્યો હોવાનું સ્થાનિક ટ્રેડરે જણાવ્યું હતું.