Stock Market Today: ડોનાલ્ડ ટ્રમ્પે ગુરૂવારે મોડી રાત્રે ફાર્મા સહિત અનેક સેક્ટર પર ટેરિફની જાહેરાત કરી છે. ફાર્મા પર 100 ટકા ટેરિફની જાહેરાત સાથે આજે શેરબજાર કડડભૂસ થયા છે. સેન્સેક્સ 451.34 પોઈન્ટ તૂટી 80708.34 થયો હતો. જે 10.45 વાગ્યે 310 પોઈન્ટના કડાકા સાથે ટ્રેડ થઈ રહ્યો હતો. રોકાણકારોની મૂડીમાં 3 લાખ કરોડનો કડાકો નોંધાયો હતો.
હેલ્થકેર-આઈટી શેર્સ તૂટ્યા
ટ્રમ્પની ટેરિફ જાહેરાતના પગલે આજે હેલ્થકેર અને આઈટી શેર્સ તૂટ્યા છે. હેલ્થકેર સેક્ટરના 119 શેર પૈકી 110માં 7 ટકા સુધીનો કડાકો જોવા મળ્યો હતો. માત્ર 11 શેર જ 1 ટકા સુધી સુધારા તરફી ટ્રેડ થઈ રહ્યા હતા. જેના પગલે બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ 1.61 ટકાના કડાકે કારોબાર થઈ રહ્યા હતા. ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ઈન્ડેક્સ પણ 1.22 ટકા તૂટ્યો હતો.
106 શેર વર્ષના તળિયે
બીએસઈ ખાતે આજે ટ્રેડેડ 3944 શેર પૈકી 1128માં સુધારો અને 2636માં ઘટાડો નોંધાયો હતો. જ્યારે 106 શેર 52 વીકના તળિયે પહોંચ્યા હતાં. 133માં અપર સર્કિટ અને 148માં લોઅર સર્કિટ વાગી હતી. અમેરિકા અને ભારત વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તેમજ ટ્રમ્પના ટેરિફ વાધારના કારણે શેરબજાર સતત તૂટી રહ્યા છે. ગઈકાલે પણ નિફ્ટી 166 પોઈન્ટ ગગડી 24891 પર બંધ રહેતાં રોાકણકારોને 3.21 લાખ કરોડનું નુકસાન થયુ હતું. આજે પણ માર્કેટ કેપમાં 3 લાખ કરોડનું ગાબડું નોંધાયું છે.