વડોદરા,ગ્રામ્ય એલ.સી.બી.ની ટીમે આજે દુમાડ ચોકડી નજીકથી ૧.૨૧ કરોડનો દારૃ ભરેલી ટ્રક ઝડપી પાડી હતી. ત્રણ દિવસમાં પોલીસે હાઇવે પરથી ૧.૬૭ લાખનો વિદેશી દારૃનો જથ્થો કબજે કર્યો છે.
ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાંચને માહિતી મળી હતી કે, દારૃ ભરેલી એક ટ્રક દુમાડ ચોકડીથી અમદાવાદ તરફ જવાની છે. જેથી, પોલીસે દુમાડ ચોકડી નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન એક શંકાસ્પદ ટ્રક આવતા પોલીસે કારને રોકી હતી. રાજસ્થાન પાસિંગની ટ્રકમાં પોલીસે તપાસ કરતા ચોખાના વેસ્ટની આડમાં લઇ જવાતી વિદેશી દારૃની ૧૬,૫૧૨ બોટલ કિંમત રૃપિયા ૧.૨૧ કરોડની મળી આવી હતી. પોલીસે ચોખાના વેસ્ટની ફોતરીની ૨૯૦ બેગ, તાડપતરી, ત્રણ મોબાઇલ ફોન તથા ટ્રક મળીને કુલ રૃપિયા ૧.૩૬ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસે બે આરોપીઓ ભજનલાલ સુખરામભાઇ બિશ્નોઇ (રહે. આગોર,તા.ચોહટન,જિ.બાડમેર, રાજસ્થાન) તથા શિવપ્રકાશ રાજુરામ બિશ્નોઇ (રહે. ગુમાનપુરા પોસ્ટ દેયુ, જિ.જોધપુર,રાજસ્થાન)ની સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ત્રણ દિવસ અગાઉ પણ એલ.સી.બી. સ્ટાફે એકસપ્રેસ હાઇવે આસોજ ગામ પાસે ટોલનાકા પર વોચ ગોઠવીને ૪૬ લાખની કિમતની ૬,૨૮૮ બોટલ ભરેલું કન્ટેનર ઝડપી પાડયું હતું. પોલીસે આરોપી પન્નારામ ચુનારામભાઇ જાટ (રહે. ધારાસર, જિ.બાડમેર, રાજસ્થાન) ને ઝડપી પાડયો હતો.