મુંબઈ : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આખરે ગઈકાલે રેસિપ્રોકલ ટેરિફદરેક દેશ મુજબ અલગ અલગ જાહેર કરીને વિશ્વને નવા વેપાર યુદ્વમાં ધકેલી દેતાં આજે વૈશ્વિક બજારોમાં અપેક્ષિત કડાકો બોલાયો હતો. અલબત અન્ય દેશોની સરખામણીએ ભારત માટે કૂણું વલણ અપનાવી ટ્રમ્પે અપેક્ષાથી ઓછા ૨૭ ટકા ટેરિફ લાગુ કરતાં અને હાલ તુરત ફાર્મા સેક્ટર અને એનજીૅ સેકટરને આ ટેરિફમાંથી બાકાત રાખવામાં આવ્યાના અહેવાલ વચ્ચે નેગેટીવ ઓછી પણ પોઝિટીવ અસર વધુ થવાના અનુમાનોએ ભારતીય શેર બજારોમાં આંચકા બાદ કવરિંગ થતું જોવાયું હતું. અમેરિકાએ ચાઈના અને વિયેતનામ પર વધુ ટેરિફ ઝિંકતા ભારત માટે અમેરિકા સાથે નિકાસ વેપારની તકો વધવાની અપેક્ષાએ પણ એડવાન્ટેજ ઈન્ડિયા બનવાના અપેક્ષાએ ફંડો શેરોમાં ઘટાડે લેવાલ રહ્યા હતા. જો કે ભારતની આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ નિકાસને અસર થવાની અપેક્ષાએ આઈટી ઉદ્યોગને અસરની શકયતા અને સાંજે અમેરિકી શેર બજારોમાં નાસ્દાકમાં ફયુચર્સમાં ૮૦૦ પોઈન્ટ જેટલો કડાકો બોલાઈ જતાં આઈટી શેરોમાં ધોવાણ થયું હતું.
સેન્સેક્સ ૮૧૦ પોઈન્ટ તૂટયા બાદ કવરિંગે અંતે ૩૨૨ પોઈન્ટ ઘટયો : નિફટી નીચામાં ૨૩૧૪૫ સ્પર્શયો
ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફની અસરે આરંભમાં શેરોમાં સાર્વત્રિક કડાકો બોલાઈ જઈ ખાસ આઈટી-સોફ્ટવેર શેરો ટીસીએસ, ટેક મહિન્દ્રા, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ સહિતમાં કડાકો બોલાતાં અને ટાટા મોટર્સ, કોટક મહિન્દ્રા બેંક, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ફાઈનાન્સ, ટાટા સ્ટીલ, ભારતી એરટેલ, મારૂતી સુઝુકી, બજાજ ફાઈનાન્સ, ઝોમાટો, રિલાયન્સ સહિતમાં વેચવાલીએ એક તબક્કે સેન્સેક્સ ૮૦૯.૮૯ પોઈન્ટ તૂટીને નીચામાં ૭૫૮૦૭.૫૫ સુધી ખાબકી ગયો હતો. જે ઘટયામથાળે પાવર-કેપિટલ ગુડઝ શેરો પાવર ગ્રીડ કોર્પોરેશન, એનટીપીસી સાથે સન ફાર્મા, અલ્ટ્રાટેક સિમેન્ટ, એશીયન પેઈન્ટસ, નેસ્લે ઈન્ડિયા, ઈન્ડસઈન્ડ બેંક, ટાઈટન, એક્સિસ બેંકમાં આકર્ષણે ઘટાડો અડધાથી વધુ પચાવી અંતે ૩૨૨.૦૮ પોઈન્ટ ઘટીને ૭૬૨૯૫.૩૬ બંધ રહ્યો હતો. નિફટી સ્પોટ નીચામાં ૨૩૧૪૫.૮૦ સુધી ખાબકી અંતે ૮૨.૨૫ પોઈન્ટ ઘટીને ૨૩૨૫૦.૧૦ બંધ રહ્યો હતો.
પર્સિસ્ટન્ટ રૂ.૫૧૩, કોફોર્જ રૂ.૬૦૩, કેપીઆઈટી રૂ.૧૦૧, ટીસીએસ રૂ.૧૪૧, ટેક મહિન્દ્રા રૂ.૫૪ તૂટયા
ટ્રમ્પ ટેરિફથી આઈટી-સોફ્ટવેર સર્વિસિઝની નિકાસ પર મોટી નેગેટીવ અસરની શકયતાએ આજે આઈટી શેરોમાં કડાકો બોલાઈ ગયો હતો. પર્સિસ્ટન્ટ રૂ.૫૧૩.૨૫ તૂટીને રૂ.૪૮૦૨, કોફોર્જ રૂ.૬૦૩.૧૦ તૂટીને રૂ.૭૧૫૭.૨૫, કેપીઆઈટી ટેકનોલોજી રૂ.૧૦૦.૫૫ તૂટીને રૂ.૧૨૧૨, સિગ્નિટી રૂ.૮૯.૧૫ તૂટીને રૂ.૧૩૨૨.૧૫, એમ્ફેસીસ રૂ.૧૦૦.૧૦ તૂટીને રૂ.૨૩૭૪.૩૦, ટીસીએસ રૂ.૧૪૧.૧૦ તૂટીને રૂ.૩૪૦૩.૯૦, ઝેનસાર ટેકનોલોજી રૂ.૨૮.૧૫ ઘટીને રૂ.૬૮૫.૭૫, એલ એન્ડ ટી ટેકનોલોજી રૂ.૧૭૭.૬૫ તૂટીને રૂ.૪૪૫૮.૨૫, ટેક મહિન્દ્રા રૂ.૫૪ તૂટીને રૂ.૧૩૬૯.૫૫, એલટીઆઈ માઈન્ડટ્રી રૂ.૧૫૮.૧૦ તૂટીને રૂ.૪૩૪૧.૭૦, ઈન્ફોસીસ રૂ.૫૨.૮૫ ઘટીને રૂ.૧૪૯૭, વિપ્રો રૂ.૭.૨૫ ઘટીને રૂ.૨૫૬.૪૦, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૮૩.૫૦ ઘટીને રૂ.૭૫૮૪.૪૦ રહ્યા હતા. બીએસઈ આઈટી ઇન્ડેક્સ ૧૩૪૮.૫૭ પોઈન્ટ તૂટીને ૩૪૨૯૩.૫૯ બંધ રહ્યો હતો.
ટેરિફથી ભારતીય ફાર્મા ક્ષેત્ર બાકાત રહેતાં સન ફાર્મા, જીપીટી હેલ્થ, આરતી ફાર્મા સહિતના શેરોમાં તેજી
ટ્રમ્પ રેસિપ્રોકલ ટેરિફથી હાલ તુરત ભારતીય ફાર્મા ઉદ્યોગને બાકાત રાખવામાં આવતાં પોઝિટીવ અસરે ફાર્મા-હેલ્થકેર કંપનીઓના શેરોમાં ફંડો લેવાલ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૭૪૮.૦૨ પોઈન્ટ ઉછળીને ૪૧૮૭૦.૭૯ બંધ રહ્યો હતો. સન ફાર્મા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૫.૮૫ વધીને રૂ.૧૭૭૦.૧૦, જીપીટી હેલ્થ રૂ.૧૩.૩૦ ઉછળી રૂ.૧૬૮.૮૦, વિમતા લેબ રૂ.૮૫.૩૫ વધીને રૂ.૧૦૯૪.૨૦, યથાર્થ રૂ.૩૨.૭૦ વધીને રૂ.૪૬૬.૩૫, આરતી ફાર્મા રૂ.૫૩.૧૦ વધીને રૂ.૮૦૬.૭૦, મોરપેન લેબ રૂ.૩.૪૫ વધીને રૂ.૫૨.૯૬, જયુબિલન્ટ ફાર્મા રૂ.૬૨.૦૫ વધીને રૂ.૯૭૧.૬૫, થેમીસ મેડી રૂ.૯.૩૦ વધીને રૂ.૧૫૭.૫૦, બ્લિસ જીવીએસ રૂ.૬.૭૦ વધીને રૂ.૧૨૬.૭૦, ઈપ્કા લેબ રૂ.૭૪.૫૦ વધીને રૂ.૧૪૮૯.૭૫, ઈન્ડોકો રૂ.૧૨.૭૦ વધીને રૂ.૨૫૫.૯૦, લુપીન રૂ.૮૫.૬૦ વધીને રૂ.૨૦૯૫, કોવઈ મેડી રૂ.૨૪૧.૪૫ વધીને રૂ.૫૬૨૦ રહ્યા હતા.
એફએમસીજી શેરોમાં વેલ્યુબાઈંગ : પરાગ મિલ્ક, જીઆરએમ ઓવરસીઝ, ઈન્ડિયા ગ્લાયકોલ વધ્યા
એફએમસીજી શેરોમાં આજે ફંડોની પસંદગીની ખરીદી રહી હતી. પરાગ મિલ્ક ફૂડ રૂ.૧૪ ઉછળી રૂ.૧૮૨.૮૫, જીઆરએમ ઓવરસીઝ રૂ.૨૧.૯૫ ઉછળી રૂ.૩૦૪.૮૫, ઈન્ડિયા ગ્લાયકોલ રૂ.૭૬.૪૦ વધીને રૂ.૧૨૫૬.૯૫, જીએમ બ્રિવરીઝ રૂ.૨૪.૩૦ વધીને રૂ.૬૮૪.૮૦, દાલમિયા સુગર રૂ.૧૩.૮૫ વધીને રૂ.૩૯૩.૭૦, પતંજલિ ફૂડ રૂ.૫૪.૯૦ વધીને રૂ.૧૮૭૯.૬૫, બલરામપુર ચીની રૂ.૯.૮૦ વધીને રૂ.૫૬૫,નેસ્લે ઈન્ડિયા રૂ.૩૪.૧૦ વધીને રૂ.૨૨૪૪.૭૦, ગોદાવરી બાયો રૂ.૮.૦૫ વધીને રૂ.૧૬૯.૦૫ રહ્યા હતા.
ઓટો ઉદ્યોગ પર ૨૫ ટકા ટ્રમ્પ ટેરિફ લાગુ : બાલક્રિષ્ન, ભારત ફોર્જ, ટાટા મોટર્સ, બજાજ ઓટો, મહિન્દ્રા ઘટયા
ટ્રમ્પ દ્વારા ઓટોમોબાઈલની આયાત પર જાહેર કરાયેલી ૨૫ ટકા ટેરિફ લાગુ થતાં ટેરિફની ઓટોમોબાઈલ ઉદ્યોગ પર માઠી અસર પડવાના અંદાજોએ ફંડોની ઓટો શેરોમાં વેચવાલી રહી હતી. અલબત ક્રુડ ઓઈલના આંતરરાષ્ટ્રીય ભાવ ૬ ટકા જેટલા તૂટી જતાં અને ભારતની તુલનાએ ચાઈના પર ટેરિફ વધુ લાગુ થતાં ઓટો શેરોમાં વેચવાલી મર્યાદિત રહી હતી. બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૮૭.૩૫ ઘટીને રૂ.૨૪૭૭, ભારત ફોર્જ રૂ.૩૬.૪૦ ઘટીને રૂ.૧૧૧૫.૯૫, ટાટા મોટર્સ રૂ.૧૭.૭૫ ઘટીને રૂ.૬૫૪.૦૫, મધરસન રૂ.૩.૨૫ ઘટીને રૂ.૧૨૮.૯૫, બજાજ ઓટો રૂ.૧૫૭.૭૫ ઘટીને રૂ.૭૯૧૩.૬૫, ઉનો મિન્ડા રૂ.૧૬.૭૫ ઘટીને રૂ.૮૬૪.૭૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૨૫.૧૫ ઘટીને રૂ.૨૬૧૨.૫૫, હીરો મોટોકોર્પ રૂ.૨૮.૦૫ ઘટીને રૂ.૩૭૫૪.૧૫, એમઆરએફ રૂ.૪૧૨.૩૦ ઘટીને રૂ.૧,૧૪,૬૫૩.૮૦ રહ્યા હતા.
સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, એચએનઆઈ ઘટાડે સતત ખરીદદાર : ૨૭૮૮ શેરો પોઝિટીવ બંધ
ટ્રમ્પના રેસિપ્રોકલ ટેરિફના હાઉમાં આરંભિક આંચકા બાદ સ્મોલ, મિડ કેપ શેરોમાં આજે ફંડો, ખેલંદાઓ, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની સતત ખરીદી રહેતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. અલબત ઉછાળે સાવચેતીમાં ઘણા શેરોમાં વેચવાલી રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૪૧૨૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૮૮ અને ઘટનારની સંખ્યા ૧૨૧૨ રહી હતી.
FPIs/FII કેશમાં રૂ.૨૮૦૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૨૧ કરોડની ચોખ્ખી ખરીદી
ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો (એફપીઆઈઝ), એફઆઈઆઈઝની આજે ગુરૂવારે શેરોમાં કેશમાં રૂ.૨૮૦૬ કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ.૯૬૮૧.૯૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૪૮૭.૯૧ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ.૨૨૧.૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી. કુલ રૂ.૧૧,૫૬૭.૨૧ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૩૪૫.૭૪ કરોડની વેચવાલી કરી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૩૫ હજાર કરોડ વધીને રૂ.૪૧૩.૩૩ લાખ કરોડ
સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના શેરોમાં પસંદગીની ખરીદી સાથે સેન્સેક્સ, નિફટીમાં તેજીના પરિણામે આજે રોકાણકારોની એક્ત્રિત સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં રૂ.૩૫ હજાર કરોડ વધીને રૂ.૪૧૩.૩૩ લાખ કરોડ રહ્યું હતું.
અમેરિકી શેર બજારોમાં કડાકો : ખુલતા બજારે ડાઉ જોન્સ ૧૧૦૦ પોઈન્ટ, નાસ્દાક ૭૩૦ પોઈન્ટ તૂટયા
અમેરિકાની રેસિપ્રોકલ ટેરિફની વિશ્વ પર માઠી અસરની સાથે અમેરિકાનું અર્થતંત્ર પણ મોંઘવારી અને મંદીમાં સરી પડવાના અંદાજો વચ્ચે આજે અમેરિકી શેર બજારોમાં ખુલતામાં કડાકો બોલાઈ ગયો હતો. ડાઉ જોન્સ ઈન્ડેક્સ ખુલતા બજારે ૧૧૦૦ પોઈન્ટ જેટલો અને નાસ્દાક ઈન્ડેક્સ ૭૩૦ પોઈન્ટ જેટલા તૂટયા હતા. યુરોપના દેશોના બજારોમાં પણ ધોવાણ થયું હતું. લંડન શેર બજારનો ફુત્સી સાંજે ૧૪૦ પોઈન્ટનો ઘટાડો, જર્મનીનો ડેક્ષ ૫૩૫ પોઈન્ટનો કડાકો અને ફ્રાંસનો કેક ૪૦ ઈન્ડેક્સ ૨૪૮ પોઈન્ટનો કડાકો બતાવતા હતા.