AMC’s Negligence: અમદાવાદના જીવરાજ પાર્કની જ્ઞાનદા સોસાયટીમાં આવેલા ACના ગોડાઉનમાં બનેલી બ્લાસ્ટ અને આગની ઘટના સમગ્ર શહેર માટે ચેતવણી સમાન છે. ન માત્ર જીવરાજ પાર્ક, વેજલુપર પરંતુ શહેરના અનેક વિસ્તારોની સોસાયટીમાં રહેણાંક મકાનો કોમર્શિયલ હેતુથી ભાડે અપાયા હોવાનું જોવા મળે છે. મકાન માલિક કે પછી સોસાયટી તંત્રને તગડું ભાડું મળે એમાં રસ હોય છે, પરંતુ ભાડુઆત તે મકાનમાં શું સામાન રાખે છે કે શેનું ગોડાઉન બનાવે છે તેની દરકાર રાખવામાં નથી આવતી. અને તેના કારણે જ જ્ઞાનદા સોસાયટીમાં ઘટી હતી તેવી ઘટના બનતી હોય છે. જેમાં ભાડે લીધેલા મકાનમાં એસીનો સામાન, ગેસ સિલિન્ડર સહિતનો સામાન ઠાંસી ઠાંસીને ભરવામાં આવ્યો હતો.
અનેક રહેણાંક સોસાયટીઓમાં ચાલે છે ધંધાકીય પ્રવૃત્તિ
મળતી માહિતી પ્રમાણે, હાલ અમદાવાદમાં અંદાજે 3500થી વધુ સોસાયટીઓ એવી છે કે જેમાં મુક્ત રીતે રહેણાંક વિસ્તારમાં ધંધાકીય પ્રવૃત્તિ કરવા મકાન ભાડે આપવામાં આવેલા છે. કૉર્પોરેશનના અધિકારીએ જણાવ્યું હતું કે, ‘કૉર્પોરેશનની વેબસાઇટ પર આવી ધંધાકીય પ્રવૃત્તિ વિરુદ્ધ ફરીયાદ કરી શકાય છે.’ કેટલીક આધારભૂત માહિતી દ્વારા જાણવા મળ્યું છે કે અમદાવાદમાં નવરંગપુરા, નારણપુરા અને પાલડી વિસ્તારની 300થી વધુ રહેણાંક વિસ્તારની સોસાયટીઓમાં બંગલાઓમાં હૉસ્પિટલ, ગોડાઉન, પરમિશન આધારિત મેડિકલ ઉપકરણ ધરાવતાં વ્યવસાયો ચાલે છે. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરાઈ છે કે કેમ તે મોટો સવાલ છે.
AMCના અધિકારીઓની ફક્ત સુફિયાણી વાતો
કૉર્પોરેશનના અધિકારીઓ મીડિયા સમક્ષ તો સુફિયાણી વાતો કરે છે, કે કૉર્પોરેશનની વેબસાઇટ પર આવી ધંધાકીય પ્રવૃત્તિ વિરુદ્ધ ફરીયાદ કરી શકાય છે. પરંતુ જ્ઞાનદા સોસાયટીના ચેરમેને સોસાયટીમાં ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિ બંધ કરાવવા માટે વારંવાર કોર્પેરેશનને જાણ કરી હતી. છતાં કોઈ પગલાં ન લેવાતા બે નિર્દોષના જીવ ગયા, જ્યારે 8થી વધુ વાહનો બળીને ખાખ થઈ ગયા હતા. સાથે જ આસપાસના અનેક મકાનોને નુકસાન પહોંચ્યું તે અલગ.
લોકોનું કહેવું છે કે AMC આ પ્રકારની ઘટના બાદ જ જાગે છે, અને હવે જો ખરેખર જાગી હોય તો તેમણે એ બાબતે કેટલાંક પગલાં ભરવા જોઈએ. જેમ કે,
– શહેરની સોસાયટીના મકાનોની તપાસ થવી જોઈએ
– કેટલા રહેણાંક મકાનોમાં ધંધાકીય પ્રવૃત્તિ ચાલે છે?
– કેટલા મકાનો ભાડે અપાયા છે કે જેમાં ભયજનક સામાન રખાયો છે?
– કેટલા મકાનો એવા છે કે જેમાં ગંભીર ગેરરીતિ આચરીને ગોડાઉનો બનાવી દેવાયા છે?
આવી તપાસના અંતે જેની પણ બેદરકારી હોય તેની સામે કાર્યવાહી થવી જોઈએ. એ પછી મકાન ભાડે આપનાર ઘર માલિક, કે પછી મકાન ધંધાકીય પ્રવૃત્તિ માટે ભાડે અપાયું હોવા છતાં સોસાયટીના ચેરમેને જો વિરોધ ન કર્યો હોય તો તેમની સામે પણ પગલાં લેવાવા જોઈએ. આ રીતે મકાન ભાડે આપવા માટે સોસાયટીના ચેરમેનની NOC લેવાના નિયમને કડક બનાવવો જોઈએ. કે જેથી મકાન માલિક ખોટી રેતી કોઈને મકાન ભાડે આપી ન શકે, અને જો આપે તો ઘર માલિક અને સોસાયટીના ચેરમેન બન્નેને જવાબદાર ગણવા જોઈએ.
રહેણાંક સોસાયટીમાં અન્ય પ્રવૃત્તિ કરી શકાય નહીં
હાઉસિંગ સોસાયટીના નિયમ પ્રમાણે કોઈપણ રહેણાંક માટે બનાવવામાં આવેલી સોસાયટીને અન્ય પ્રવૃત્તિમાં ભાડે આપી શકાય નહીં. જે સોસાયટી એક્ટ વિરુદ્ધની વાત છે. છતાં અમદાવાદમાં 3500થી વધુ સોસાયટીઓએ ખુલ્લે આમ શહેરની જાણીતી સોસાયટીઓમાં ધંધાકીય પ્રવૃત્તિઓ માટે જાહેરાતો કરી છે અને તંત્ર આ બાબતે સાવ નિષ્ક્રિય છે. નવાઈની વાત એ છે કે આના માટે સોસાયટીને કોઈ પાવર આપવામાં આવ્યા નથી હોતા, જેના કારણે ગુમાસ્તાધારા હેઠળ ટેક્સ ભરીને કોઈપણ ભાડું ચૂકવનાર કે ઘરમાલિક મનમાની કરીને કોઈપણ ધંધાકીય પ્રવૃત્તિ કરીને સોસાયટીની સિસ્ટમ તોડી શકે છે.