Maharashtra Heavy Rain: મહારાષ્ટ્ર, ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ફરી વરસાદે માઝા મૂકી છે. મહારાષ્ટ્રમાં પણ છેલ્લા 24 કલાકથી વરસી રહેલા વરસાદમાં દસ લોકોના મોત થયા છે. અધિકારીઓએ રવિવારે જણાવ્યું હતું કે ભારે વરસાદના કારણે રાજ્યના વિવિધ ભાગોમાંથી 11,800થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતરિત કરવામાં આવ્યા છે.
રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, નાસિક જિલ્લામાં વરસાદ સંબંધિત ઘટનાઓમાં ચાર લોકોના મોત થયા છે, જેમાંથી ત્રણનું મૃત્યુ ઘર ધરાશાયી થતાં થયું છે, ધારાશિવ અને અહિલ્યાનગરમાં બે-બે અને જાલના અને યવતમાલમાં એક-એક વ્યક્તિનું મોત થયું છે.
નીચાણવાળા વિસ્તારોમાં પૂર
મરાઠાવાડા ક્ષેત્રમાં ગોદાવરી નદી પર બનેલા જયકવાડી ડેમમાં પાણીનું સ્તર વધ્યું છે, જેના કારણે તેના તમામ દરવાજા ખોલવાની ફરજ પડી હતી. પરિણામે નીચાણવાળા વિસ્તારમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના હરસુલ વિસ્તારમાં છેલ્લા 24 કલાકમાં 196 મીમી વરસાદ નોંધાયો છે. બીડ, નાંદેડ અને પરભણી સહિત મરાઠવાડા ક્ષેત્રના અન્ય જિલ્લાઓમાં પણ ભારે વરસાદ પડ્યો છે. ગોદાવરી નદીના ઉપરના ભાગમાં આવેલા નાસિકમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે સોમવારે રેડ એલર્ટ જારી કર્યું હતું, જેમાં જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જૂનાગઢમાં મુશળધાર, માંગરોળમાં 4 કલાકમાં પોણા ચાર ઈંચ, દરિયાકાંઠે 3 નંબરનું સિગ્નલ
મુખ્યમંત્રી ફડણવીસે આપ્યા નિર્દેશ
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પૂરની સ્થિતિની વિગતવાર સમીક્ષા કરી અને વહીવટીતંત્રને મરાઠવાડા ક્ષેત્રમાં ચાલી રહેલા ભારે વરસાદ વચ્ચે નાગરિકોની સલામતી સુનિશ્ચિત કરતી વખતે રાહત અને બચાવ કામગીરી ઝડપી બનાવવા નિર્દેશ આપ્યો છે. છત્રપતિ સંભાજીનગર, બીડ, હિંગોલી, જાલના, લાતૂર, નાંદેડ, ધારાશિવ, પરભણી અને સોલાપુર જિલ્લાના કલેક્ટરોએ બેઠકમાં હાજરી આપી હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પણ રાજ્યના અનેક ભાગોમાં પૂરની સ્થિતિની સમીક્ષા કરી હતી.
મુંબઈમાં શનિવારથી ભારે વરસાદ
શનિવાર રાતથી મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC)ના જણાવ્યા અનુસાર રવિવારે ભારે વરસાદ પડ્યો હતો, કેટલાક વિસ્તારોમાં સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી 50 મીમીથી વધુ વરસાદ નોંધાયો હતો. થાણે અને પાલઘર જિલ્લામાં પણ છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ નોંધાયો હતો.