Jamnagar Rain : જામનગર શહેર અને જિલ્લામાં ગઈકાલે રાત્રે એકાએક હવામાનમાં પલટો આવ્યો હતો અને ભારે ગાજવીજ સાથે એકથી ત્રણ ઇંચ જેટલો વરસાદ પડી ગયો હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. જામનગર શહેરમાં ગઈ રાત્રે પડેલા વરસાદના કારણે અનેક સ્થળે પાણી ભરાયા હતા, ઉપરાંત કેટલાક વિસ્તારોમાં વિજ પુરવઠો ખોરવાયો હતો.
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે 9.15 વાગ્યા બાદ હવામાન પલટાયું હતું, અને સૌપ્રથમ વિજળીના ચમકારા જોવા મળ્યા હતા. ત્યારબાદ વરસાદ તૂટી પડ્યો હતો, અને મોડી રાત્રે સુધી ચાલુ રહ્યો હતો. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવાયા અનુસાર જામનગર શહેરમાં 54 મી.મી. વરસાદ નોંધાયો હતો, જયારે જોડીયામાં 24 મી.મી., ધ્રોલમાં 34 મી.મી., કળાવડમાં 15 મી.મી., લાલપુરમાં 38 મી.મી. જ્યારે જોડીયામાં 38 મી.મી., જામજોધપુરમાં 15 મી.મી. વરસાદ નોંધાયો છે.
જામનગર શહેરના અનેક વિસ્તારોમાં ગઈકાલે રાત્રે પડેલા વરસાદના કારણે પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત અનેક ફીડરમાં વિજ પુરવઠો પણ ખોરવાયો હતો. જેના કારણે ગરબી મંડળના સંચાલકોએ ભારે દોડધામ કરવાનો વારો આવ્યો હતો. પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મળેલા આંકડા અનુસાર જામનગર તાલુકાના વસઈ ગામમાં ધોધમાર 73 મી.મી. વરસાદ નોંધાયો હતો, જ્યારે અલિયાબાડામાં 62 મી.મી., લાખાબાવળમાં 40 મી.મી વરસાદ નોંધાયો હતો. જોડીયા તાલુકાના પીઠડ ગામમાં 45 મી.મી., જ્યારે લાલપુરના પડાણા ગામમાં 62 મી.મી. વરસાદ નોંધાયો હતો. જામજોધપુરના વાંસજાળીયામાં પણ પચાસ મી.મી પાણી પડી ગયું હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે.
જોકે આજે વહેલી સવારથી મેઘરાજાએ વિરામ રાખ્યો છે, પરંતુ આકાશ વાદળોથી ઘેરાયેલું છે, અને હજુ પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે હવામાન ખાતા દ્વારા પણ હજુ બે દિવસ વરસાદી વાતાવરણ બનેલું રહે તેવી આગાહી કરવામાં આવી હોવાથી ગરબા મંડળના આયોજકો પણ ચિંતિત બન્યા છે.